ભાવનગરના કુંભારવાડામાં નારી રોડ પરનું નાળું બેસી જતા કોંગ્રેસે વિરોધ કર્યો
- વડાપ્રધાન જે રોડનું ખાતમુહૂર્ત કરવાના છે તે રોડ પરનું નાળુ બેસી ગયુ,
- નાળાનો કેટલોક ભાગ તૂટી જતા અકસ્માતોનો ભય,
- કોંગ્રેસે નાળા પર ભાજપના વિકાસની પોલ ખોલતા બોર્ડ લગાવ્યા
ભાવનગરઃ શહેરના કુંભારવાડાથી નારી તરફ જતા રોડ પર આવેલા નાળાનો કેટલોક ભાગ બેસી જતા કોંગ્રેસના કાર્યકરોએ ‘ હું ભાજપનો ખાડો છું’ એવું બોર્ડ મારીને વિરોધ કર્યો હતો. દરમિયાન આ બાબતની જાણ થતા મ્યુનિનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. વડાપ્રધાન દ્વારા આ રોડને ફોરલેન બવનાવવાનું ખાતમૂહુર્ત કરવાનું છે. ત્યારે આ બનાવ બનતા મ્યુનિ. દ્વારા તાકીદે મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
ભાવનગર ખાતે આગામી 20મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદા જુદા પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ કરોડો રૂપિયાના એમઓયુ કરવા માટે આવી રહ્યા છે. પરંતુ જે કુંભારવાડા અવેડાથી દશનાળા સુધીના ફોરલેન રોડના ખાતમુહૂર્ત કરવાના છે તે રોડ વચ્ચે આવેલુ નાળુનો એક ભાગ બેસી ગયો હતો. નાળાનો ભાગ બેસી જતા અકસ્માતની પણ ભીતિ છે. કુંભારવાડા અવેડાથી દસ નાળા સુધીનો રોડ લાંબા સમયથી બિસ્માર થઈ ગયો છે. જેથી નાળા માટે ટેન્ડર બહાર પાડ્યા તેમાં પણ પ્રથમ પ્રયત્ને કોઈ એજન્સી તૈયાર નહોતી. અંતે ચોમાસા પૂર્વે 4.15 કરોડના ખર્ચે નાળો બનાવવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ ચોમાસાને કારણે નાળાનું કામ શરૂ થયું નહીં અને તાબડતો કુંભારવાડા અવેડાથી દસ નાળા સુધીના ફોર ટ્રેક રોડ 29.13 કરોડના ખર્ચે મંજૂર થયો અને તેનો વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે.
મ્યુનિના સૂત્રોના કહેવા મુજબ કુંભારવાડા અવેડાથી દસ નાળા સુધીના એક જ રોડ પર નાળા અને રોડનો જુદી જુદી એજન્સીને જુદો જુદો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પરંતુ આ રોડનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થાય અને નાળાનું કામ શરૂ થાય તે પૂર્વે આજે નાળુ તૂટી ગયું હતું. નાળાનો કેટલોક ભાગ તૂટી જતા ગંભીર અકસ્માતની પણ શક્યતા નકારી શકાય નહીં. મ્યુનિ. દ્વારા આ નાળા પરથી વાહન વ્યવહાર બંધ કરી ડાયવર્ઝન આપવાની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે.