અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો કાલથી થશે પ્રારંભ
- અમદાવાદ એરપોર્ટ પર આજે નેતાઓનું કરાયુ ભવ્ય સ્વાગત
- રાહુલ,સોનિયા, પ્રિયંકા ગાંધી કાલે અમદાવાદ પહોંચશે
- 90 ટકા CVCના સભ્યો અમદાવાદ આવી પહોંચ્યા
અમદાવાદઃ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના આંગણે યોજાઈ રહ્યું છે. આવતી કાલથી બે દિવસીય યોજાનારા અધિવેશનમાં હાજરી આપવા માટે એઆઈસીસીના સભ્યો, પદાધિકારીઓ, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ વગેરે આમદાવાદ આવી રહ્યા છે. શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહેમાનોનું અનેરૂ સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આવતી કાલે મંગળવારે સવારે અમદાવાદ આવી પહોંચશે, જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ અને અશોક ગેહલોત સહિતના 90 ટકા CWCના સભ્યો અમદાવાદ આવી પહોંચ્યા છે.
અમદાવાદમાં કાલે તા. 8 અને 9 એપ્રિલે યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આગમન થયું છે. સરદાર પટેલ એરપોર્ટ પર મહેમાનોનું પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ અને અશોક ગેહલોત સહિતના 90 ટકા CWCના સભ્યો આવી પહેંચ્યા હતા. જ્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી કાલે 8 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચશે. બે દિવસ દરમિયાન યોજાનારા અલગ-અલગ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા આવી રહેલા 1800થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલ અને આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
અમદાવાદના આંગણે યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે. 8 એપ્રિલે CWC બેઠક અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, CWC સભ્યો, આમંત્રિતો સહિત 1900 સભ્યો ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના નેતાઓ માટે અમદાવાદની હોટેલના બે હજાર રૂમ બુક કરવામાં આવ્યા છે. વર્ષ 1902 માં ગુજરાતમાં પ્રથમવાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં મળ્યું હતું. વર્ષ 1907 માં સુરત, 1921 માં અમદાવાદ, 1938 માં બારડોલીના હરિપુરા અને 1961 માં ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનમાં મળ્યું હતું. તેના બાદ 2025 માં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે.
કોગ્રેસના અધિવેશન વિશે અમિત ચાવડાએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતના લોકો માટે કામ કરવા માગે છે આ અધિવેશન તેનો સંદેશ બનશે. સાંપ્રત પરિસ્થિતિથી જનતાને વાકેફ કરાવવામાં આવશે. આ અધિવેશનમાં કોંગ્રેસ રણનીતિ નક્કી કરાશે. આ અધિવેશન ખૂબ મહત્વનું બની રહેશે. ગાંધી આશ્રમમાં સાંજે પ્રાર્થના સભા યોજાશે. ગુજરાત ગાંધીજી અને સરદારનું ગુજરાત છે. આજે બંધારણીય અધિકરો છીનવાઇ રહ્યા છે. ફિક્સ પગારની પ્રથા નાબૂદ કરવા, નાના વેપારીઓ સહિતની હાલાકીને ધ્યાને લેવાશે. ગુજરાતમાં ડ્રગસ દારૂ, વ્યસનોની બદી વધી રહી છે. તે મુદ્દે પણ ચર્ચા થશે.