કોંગ્રસના નેતા પ્રતાપ દૂધાતની કારને આંતરીને દૂધાળા ગામ પાસે મોડી રાતે હુમલો કરાયો
- સરદાર સન્માન યાત્રામાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે બન્યો બનાવ,
- અસામાજિક તત્વોએ ધોકા અને પાઇપથી હુમલો કર્યો,
- પોલીસ કાફલો દોડી ગયો, દૂધાતે એસપીને કરી રજુઆત
અમરેલીઃ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની કારને રાત્રે દૂધાળા ગામ પાસે આંતરીને હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાની જાણ પ્રતાપભાઈ દૂધાતે પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી હુમલામાં કોઈ જાન હાની કે ઈજા નથી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની કાર પર ગત મોડી રાત્રે હુમલોનો પ્રયાસ કરાયો હતો. સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત અમરેલી ફરતી વેળાએ દુધાળા ગામ નજીક અસામાજિક તત્તવોએ પાઇપથી હુમલો કર્યો હતો. આ અંગે પ્રતાપ દૂધાતે અમરેલી જિલ્લા એસ.પી.ને રજૂઆત કરી છે.
અમરેલીના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત સરદાર યાત્રા સંપન્ન કરી પરત ફરતા હતા એ દરમિયાન અમરેલીના દુધાળા નજીક તેમના કાફલાની એક કાર ઉપર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં તેમના કાફલાની એક કાર ઉપર ધોકા વડે હુમલો કરી કાચ તોડી નાખવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર ઘટના મુદ્દે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી આપવામાં આવી. પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજુઆત કરશે.
અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યે અમને પ્રતાપ દૂધાતનો ફોન આવ્યો હતો કે, તેઓ તુલસીશ્યામથી અમરેલી બાજુ આવતા કોઇએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કાર પર હુમલો કર્યો છે. જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરી હતી. રાત્રે જ આ બાબતે ફરિયાદ લખાવવા જણાવવામાં આવ્યું હતું. આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. આ વિસ્તારમાં ટુરિસ્ટોનો ધસારો રહે છે, જેથી પોલીસ સતર્ક છે.