રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે કોંગ્રેસ બિહારમાં છેલ્લા સ્થાને આવી પહોંચીઃ અમિત શાહ
નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDA સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આ પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કે ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બિહારની જનતાએ દેશનો મૂડ સ્પષ્ટ કરી દીધો છે કે મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા અનિવાર્ય છે. તેના વિરોધમાં રાજનીતિ કરવાની કોઈ જગ્યા નથી. આ કારણસર જ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ આજે બિહારમાં છેલ્લે સ્થાને આવી પહોંચી છે.”
અમિત શાહે NDAના પ્રદર્શનને બિહારની જનતા તરફથી વિકાસના માર્ગ પર મજબૂત વિશ્વાસ કરાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જંગલરાજ અને તુષ્ટીકરણની રાજનીતિ, ભલે તે કોઈ પણ ભેષમાં આવી હોય, બિહારને લૂંટી શકશે નહીં. આજે જનતા માત્ર અને માત્ર કાર્યક્ષમતાના આધારે મત આપે છે.” શાહે પીએમ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી નીતિશ કુમાર, તેમજ NDAના તમામ નેતાઓ અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, “જે આશા અને વિશ્વાસ સાથે બિહારની જનતાએ, ખાસ કરીને માતાઓ-બહેનોને NDAને મત આપ્યો છે, તે વિશ્વાસને અમે વધુ સમર્પણથી પૂર્ણ કરીશું.” ગૃહ મંત્રીએ દાવો કર્યો કે, “બિહારના દરેક મત ભારતની સુરક્ષા સાથે રમતા ઘુસણખોરો અને તેમના રાજકીય રક્ષકો સામેની મોદીના કડક વલણમાં વિશ્વાસનું પ્રતિબિંબ છે. મતબેંક માટે આવા તત્વોને બચાવનારા લોકોને જનતાએ સખત જવાબ આપ્યો છે.”