મોંઘવારી મામલે સંસદમાં વિશેષ સત્ર બોલવા કોંગ્રેસે કરી માંગણી
નવી દિલ્હીઃ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ દેશમાં વધતી મોંઘવારી અંગે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. અલકા લાંબાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે તે રીતે LPG સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક ઘટાડવા જોઈએ અને સરકારે ફુગાવા પર સંસદમાં ખાસ સત્ર બોલાવીને શ્વેતપત્ર બહાર પાડવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા જોઈએ, તેનાથી ભાવ નિયંત્રણ શક્ય બનશે. મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ કહ્યું, "ભાજપ સરકારે મોંઘવારી સામે સંપૂર્ણપણે મોઢું ફેરવી લીધું છે. આજે મોંઘવારી દેશનો સૌથી મોટો મુદ્દો છે, પરંતુ કેન્દ્ર સરકારને તેની કોઈ ચિંતા નથી."
2014 અને હાલના ભાવની સરખામણી કરતા તેમણે જણાવ્યું હતું કે, “જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી, ત્યારે ભાજપ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને રસ્તાઓ પર ઉતરતી હતી. કોંગ્રેસ સરકાર દરમિયાન ક્રૂડ ઓઈલનો ભાવ 108 ડોલર પ્રતિ બેરલ હતો, જ્યારે આજે 65.31 ડોલર પ્રતિ બેરલ છે. આમ, તે સમયે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજ કરતા 40 ટકા વધારે હતા, છતાં પેટ્રોલનો ભાવ 72 રૂપિયા પ્રતિ લિટરથી વધુ નહોતો, જે આજે 100 રૂપિયાથી વધુ પહોંચી ગયો છે. જ્યારે, ડીઝલનો ભાવ તે સમયે 55 રૂપિયા પ્રતિ લિટર હતો, જે વધીને 88 રૂપિયા થઈ ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતાં, સામાન્ય જનતાને કોઈ રાહત આપવામાં આવી રહી નથી. તેનાથી વિપરીત, સરકારી અને ખાનગી તેલ કંપનીઓ ભારે નફો કમાઈ રહી છે.
તેમણે એક્સાઇઝ ડ્યુટીમાં વધારા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 9.20 રૂપિયા હતી, આજે તે વધીને 19.90 રૂપિયા થઈ ગઈ છે. 2014માં ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 3.46 રૂપિયા હતી, જે આજે વધીને 15.80 રૂપિયા થઈ ગઈ છે, જેમાંથી ભારત સરકારે છેલ્લા 11 વર્ષમાં લગભગ 40 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
અલકા લાંબાએ આરોપ લગાવ્યો કે, સરકારની નીતિઓ સામાન્ય માણસને બદલે તેલ કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે બનાવવામાં આવી છે. તેલ કંપનીઓને નફાકારક બનાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય ભાજપ માટે દાન એકત્ર કરવાનો છે. તેમણે માંગ કરી કે CAG એ આ બાબતનું ઓડિટ કરાવવું જોઈએ કે સરકારી નીતિઓથી આ ખાનગી કંપનીઓને કેવી રીતે ફાયદો થયો. તેમણે સીવીસી અને સીબીઆઈ તપાસની માંગણીનો પણ પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે આ કેસમાં જાણી જોઈને બેદરકારી દાખવવામાં આવી છે કે સરકારની મિલીભગત છે તે જાણવામાં આવવું જોઈએ.
તેમણે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં વધારાનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે 2014માં સિલિન્ડર 414 રૂપિયામાં મળતો હતો, પરંતુ આજે તે 1,100 રૂપિયાથી વધુમાં ઉપલબ્ધ છે. અલકા લાંબાએ કહ્યું કે મહિલા કોંગ્રેસે દેશભરમાં મોંઘવારી વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. મહિલાઓ રસ્તા પર ઉતરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે તે પોતે આ આંદોલનમાં ભાગ લેવા બિહાર જઈ રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે ફુગાવો એક મહામારી બની શકે છે, તેથી સરકારે સમયસર પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે મહિલા કોંગ્રેસ આ મુદ્દા પર ચૂપ નથી.