ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ સર્વાનુમતે પસાર
- વડાપ્રધાનએ હંમેશા દેશમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે,
- ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ ઓપરેશન સિંદૂરે કરી છે,
- ભારત હવે કોઈ કાંકરીચાળો સાંખી લેશે નહીં એનો સચોટ પુરાવો ઓપરેશન સિંદૂર છે
ગાંધીનગરઃ ભારતીય સેનાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં 7મી મે, 2025ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઓપરેશનની સફળતાથી દેશના જન-જનની સુરક્ષા અને રાષ્ટ્ર રક્ષાનો મંત્ર પાર પડ્યો છે.
ઓપરેશન સિંદૂરની આ સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાને અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી અને ગુજરાતના વિધાનસભા ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે 15મી ગુજરાત વિધાનસભાના સાતમા સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યો હતો.
તેમણે આ પ્રસ્તાવ રજૂ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની સફળતાને પગલે 140 કરોડ દેશવાસીઓ અને વિશ્વના અનેક દેશોએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વની જે પ્રશંસા કરી છે તેમાં ગુજરાત વિધાનસભા પણ પોતાનો સૂર પુરાવે છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણી સેનાએ પાર પાડેલું આ ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ ત્રાસવાદ, આતંકવાદ સામેના દાયકાઓના લાંબા સંઘર્ષ અને વડાપ્રધાનની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિમાં નિર્ણાયક અને ઐતિહાસિક મોડ છે.
ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે આભાર પ્રસ્તાવની ચર્ચાનો પ્રારંભ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા દેશના નાનામાં નાના માનવીનો ખ્યાલ રાખીને શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અને નવી શિક્ષણ નીતિથી તેમણે શિક્ષણનો કાયાકલ્પ કર્યો છે. ગરીબ અને સામાન્ય વર્ગના પરિવારો માટે વિશ્વની સૌથી મોટી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત પીએમ જન આરોગ્ય યોજના શરૂ કરીને સ્વાસ્થ્ય સુરક્ષા આપી છે.
દેશની સુરક્ષા અને જન-જનની રક્ષાને પણ તેમણે એટલી જ અહેમિયત આપીને એ માટે પણ અનેક ઐતિહાસિક અને હિંમતપૂર્વકના પગલાં ભર્યા છે. ઓપરેશન સિંદૂર આવું જ એક ઐતિહાસિક કદમ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જો પોલિટીકલ વિલ હોય અને નેશનલ સિક્યુરિટી-રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવના હોય તો દેશ વિરુદ્ધની કોઈપણ નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી શકાય તે વડાપ્રધાનના નેતૃત્વએ પુરવાર કર્યું છે.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, આપણા સુરક્ષા દળોએ ઉરીના આતંકી હુમલા સામે સર્જિકલ સ્ટ્રાઈકની એવી જવાબી કાર્યવાહી કરી કે પાકિસ્તાનની આંખો પહોળી થઈ ગઈ. બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરીને એરફોર્સે આતંકી તાલીમ કેમ્પ જ નષ્ટ કરી નાખ્યા અને પુલવામાં હુમલાનો વળતો જવાબ આપી દીધો. પાકિસ્તાનને હજી તેની કળ વળી નથી અને ત્યાં જ આપણી સેનાએ ઓપરેશન સિંદૂરથી તો તેમની નાભિ પર જ સીધો પ્રહાર કર્યો છે.
ગૃહના નેતા ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, આપણી સંસ્કૃતિમાં સિંદૂરના સેંથાનું-સુહાગનનું એક માન ભર્યુ સ્થાન છે. આતંકીઓએ પહેલગામ હુમલામાં માતાઓ-બહેનોના પતિની નિર્મમ હત્યા કરીને સિંદૂર ઉજાડવાનું દુ:સાહસ કર્યુ હતુ.