ગાંધીનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા 926 મિલકતદારો સામે જપ્તી વોરંટ
- 50 હજારથી વધુ વેરો બાકી હશે તો મ્યુનિ.દ્વારા મિલકતોને સીલ મારી દેવાશે,
- પ્રોપર્ટી ટેક્સની એક લાખથી વધુ રકમ બાકી હોય એવા 926 ધારકો સામે જપ્તી વોરંટ
- મ્યુનિના સખત વલણને પગલે હવે બાકીદારોમાં ફફડાટ ફેલાયો
ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સમાં વળતર આપવાની યોજના છતાંયે ઘણાબધા મિલકતધારકો વેરો ભરતા નથી. લાખો રૂપિયાનો પ્રોપર્ટી ટેકસ બાકી હોય એવા 926 મોટા બાકીદારો સામે જપ્તી વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. જ્યારે સમયસર વેરો ભરપાઈ નહીં કરનારા 50 હજારથી વધુની રકમના બાકીદારોની મિલકતો સીલ મારવા સુધીના પગલા લેવાની મ્યુનિએ ચેતવણી આપી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના મિલકતવેરા વિભાગે વર્ષની શરૂઆતમાં કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે 1 એપ્રિલથી 30 જુલાઈ સુધી મિલકતવેરો ભરનાર નાગરિકોને 10% રિબેટનો લાભ આપ્યો હતો. આ યોજનાના કારણે કુલ 50 કરોડની વસૂલાત કરવામાં મ્યુનિને સફળ મળી હતી. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં તા. 1/4/2025થી આજ દિન સુધીમાં કુલ 1,20,555 કરદાતાઓ દ્વારા કુલ રૂ. 62.22 કરોડનો મિલકતવેરો ભરપાઈ કર્યો છે.જો કે, આ રિબેટ યોજનાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ ઘણાબધા મિલકતદારોએ બાકી વેરો ભરપાઈ નહોતો કર્યો, તેવા 1 લાખથી વધુ રકમના કુલ 926 બાકીદારોને મિલકતવેરા વિભાગ દ્વારા પ્રથમ અને આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ બાદ મ્યુનિએ વધારાના 2 કરોડ જેટલો વેરો વસૂલ્યો હતો, પરંતુ આખરી નોટિસ આપ્યા છતાં વેરો ન ભરનારા બાકીદારો સામે હવે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બાકીદારોને ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરીને તેમની મિલકતોને સીલ કરવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન હવે વેરા વસૂલાતનું અભિયાન વધુ સઘન કરી રહી છે. હાલમાં 50 હજારથી વધુ રકમના બાકીદારોને આખરી નોટિસ આપવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જે બાકીદારો દ્વારા નિયત સમયમાં મિલકતવેરો ભરપાઈ કરવામાં નહીં આવે તેવા બાકીદારોને આગામી સમયમાં ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી મિલકતો સીલ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.