ગાંધીનગરના સેક્ટર 5માં છેલ્લા પખવાડિયાથી દૂષિત પાણીની ફરિયાદો
- ડહોળુ અને દૂષિત પાણીને લીધે રોગચાળાનો ભય,
- નાગરિકોએ લેખિત અને મૌખિક રજુઆતો કરી છતાંયે પ્રશ્ન ઉકેલાતો નથી,
- દૂષિત પાણીમાં ગટર જેવી વાસ આવે છે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સેક્ટર-5માં છેલ્લા પખવાડિયાથી ડહોળુ અને દૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે. નળ દ્વારા મળતા પાણીમાં ગટરની વાસ આવી રહી છે. આ વિસ્તારના નાગરિકો પાણી પી શક્તા નથી. આ અંગે પાટનગર યોજના વર્તુળ વિભાગમાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાંયે જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. બીજી બાજુ દૂષિત પાણીને લીધે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાનો ભય ઊભો થયો છે.
ગાંધીનગરના સેક્ટર-5-બી વિસ્તાર પાણીજન્ય રોગચાળાની ઝપેટમાં આવે તેમ લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ડહોળું અને ગંદુ આવતું હોવાથી સેક્ટરવાસીઓને પાણી ઉકાળીને પીવાની ફરજ પડી રહી છે. જોકે ડહોળા અને ગંદુ પીવાનું પાણી આવતું હોવાની લેખિત તેમજ મૌખિક ફરીયાદ કરવા છતાં રિપેરીંગ માટે તંત્રને સમય જ નથી. જેને પરિણામે સેક્ટર-5-બી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના ઘરે ઘરે બિમારીના ખાટલા મંડાય પછી જ રિપેરીંગ કરશે તેમ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
રાજ્યના સ્માર્ટસીટીમાં હજુ માળખાકિય સુવિધાના નામે લોકોને દુવિધા સિવાય કોઇ જ મળી રહ્યું નથી. શહેરના સેક્ટર-5-બી વિસ્તારમાં પીવાનું પાણી ડહોળું અને ગંદુ આવતા સેક્ટરવાસીઓની હાલત કફોડી બની રહી છે. જોકે સ્માર્ટસીટી અંતર્ગત લોકોને માળખાકિય સુવિધામાં ઉભા થયેલા પ્રશ્નોના ઉકેલ માટે ફરીયાદ કર્યાને માત્ર ને માત્ર ચોવીસ કલાકમાં ઉકેલ આવે તેવું નક્કર આયોજન કરવામાં આવે તેવી માંગ સેક્ટરવાસીઓ કરી રહ્યા છે.
ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ જણાવ્યું છે. કે, સેક્ટર-5-બીના પ્લોટ નંબર 731, 732, 735 અને મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ડહોળું અને ગંદુ આવી રહ્યું છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાની શંકા પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. જોકે છેલ્લા પંદરેક દિવસથી આવતા દુષિત અને ગંદા પીવાના પાણી અંગે પાટનગર યોજના વર્તુળ વિભાગમાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં રિપેરીંગ કરવામાં નહી આવતા લોકો પાણીજન્ય રોગચાળાના ભરડામાં આવી જાય પછી જ તંત્ર દ્વારા પીવાના પાણીનો પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે તેવો આક્ષેપ સ્થાનિક લોકોએ કરી રહ્યા છે. ડહોળા અને ગંદા પીવાના પાણીનું રિપેરીંગ કરવા માટે તંત્ર પાસે સમય નહી હોવાથી સ્થાનિકોને ન છુટકે બજારમાંથી પીવાનું પાણી વેચાતું લાવવાની ફરજ પડી છે. ઉપરાંત પીવાના પાણીને ઉકાળીને પીવાની ફરજ પડી રહી છે. આથી તાકિદે ડહોળા અને ગંદા આવતા પીવાના પાણીની લાઇન ચેક કરીને ઉકેલ લાવવાની સ્થાનિકો આશા રાખી રહ્યા છે.