સુરતના જવેલર્સમાંથી મહિલા કર્મચારી અને તેના પતિએ 2.05 કરોડની ચોરી કર્યાની ફરિયાદ
- મહિલા કર્મચારી છેલ્લા દોઢ વર્ષથી જ્વેલર્સમાંથી દાગીના ચોરતી હતી,
- ઉમરા પોલીસે મહિલા કર્મચારી અને તેના પતિને પકડવાની તજવીજ હાથ ધરી,
- મહિલા કર્મચારીએ વિશ્વાસ સંપાદન કરી કટકે કટકે 1700 ગ્રામ દાગીનાની ચોરી કરી,
સુરતઃ શહેરના પોશ વિસ્તાર એવા ઘોડદોડ રોડ પર આવેલા જ્વેલર્સમાં નોકરી કરતી એક મહિલા કર્મચારીએ તેના પતિ સાથે મળીને લાંબા સમયગાળા દરમિયાન 2,05,10,500ની કિંમતના કિંમતી દાગીનાની ચોરી કરી છે. જ્વેલર્સના માલિક દ્વારા ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે આરોપી દંપતીની શોધખોળ શરૂ કરી છે.
શહેરના ઘોડદોડ રોડ પર ગ્રીન એવન્યુ સોસાયટી નજીક દુકાન ધરાવતા ફરિયાદી સુરભીબેન રોનકભાઈ શાહ (ઉ.વ. 43)એ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ચોરીનો સિલસિલો 01 જાન્યુઆરી, 2024 થી શરૂ થઈને 08 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલ્યો હતો. એટલે કે, લગભગ દોઢ વર્ષથી વધુના સમયગાળા દરમિયાન, આરોપી મહિલા કર્મચારી ખુશ્બુબેન મનોજભાઈ કંસારાએ માલિકનો વિશ્વાસનો ભંગ કર્યો હતો.ફરિયાદમાં જણાવાયું છે કે ખુશ્બુબેને તેના પતિની મદદથી દુકાનમાંથી અવારનવાર દાગીનાની ચોરી કરીને તેને સગવગે કરી નાખ્યા હતા. ચોરી થયેલા કુલ 1700 ગ્રામ (1.7 કિલો) વજનના દાગીનામાં માત્ર જ્વેલર્સ શોપના દાગીના જ નહીં, પણ ફરિયાદીના અંગત અને પિયરના કિંમતી દાગીનાનો પણ સમાવેશ થાય છે. આશરે 700 ગ્રામ સોનાના (14થી 24 કેરેટ) દાગીના, જેમાં 150 કેરેટ પોલકી અને 40 કેરેટના રાઉન્ડ હીરા જડિત જ્વેલરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સોનાના નાના પાર્ટ્સ જેવા કે પેચ, કડી, આંકડા અને 14 થી 18 કેરેટના સોનાના તાર પણ ગાયબ છે. જેની કુલ કિંમત 1,15,10,500 છે જ્યારેફરિયાદીના પિયરના ચોરાયેલા કિંમતી દાગીના આશરે 1000 ગ્રામ સોનાના (18 થી 22 કેરેટ) કુંદન, મોતી અને સોલિટેર સહિતના જ્વેલરી સેટની ચોરી થઈ છે. આમાં 1.05 કેરેટની સોલિટેર રિંગ, રુબી ડાયમંડ નેકલેસ સેટ, કુંદન ચોકર નેકલેસ સેટ, મીના ફ્લાવર હાંસડી સેટ, ગોલ્ફ કડા અને મોતી તથા વગેરેને સમાવેશ થયા છે.
જવેલર્સ દ્વારા ચોરીની ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-306(3)(5) હેઠળ ગુનો દાખલ કરીને આરોપી ખુશ્બુબેન અને તેના પતિને પકડવા માટે ઝડપી તપાસ શરૂ કરી છે.