કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થયા, રૂ. 14.50નો ઘટાડો કરાયો
મુંબઈઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)એ આજે ગુરુવારે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમત સસ્તી કરી દીધી છે. જોકે, ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોગ્રામના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગેસના ભાવ નક્કી કરવા માટે દર મહિનાની શરૂઆતમાં કરવામાં આવતા સુધારા બાદ, કોમર્શિયલ ગેસના ભાવ આજે પ્રતિ સિલિન્ડર 14.50 રૂપિયાથી ઘટાડીને 1,747.50 રૂપિયા કરવામાં આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.
છેલ્લા બે મહિનામાં 19 કિલોગ્રામના LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 55.50 રૂપિયાનો ઘટાડો થયો છે. કિંમતમાં ઘટાડા પછી, હવે દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડર માટે 1,747.50 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે એપ્રિલ મહિનામાં આ સિલિન્ડર માટે 1,762 રૂપિયા ચૂકવવા પડતા હતા અને તે પહેલાં માર્ચ મહિનામાં 1,803 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ રીતે, છેલ્લા બે મહિનામાં 19 કિલોગ્રામના LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 55.50 રૂપિયા અને એક મહિનામાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ હવે કોલકાતામાં તેની કિંમત 1,868.50 રૂપિયાથી ઘટીને 1,851.50 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે, આજથી આ સિલિન્ડર મુંબઈમાં 1,713.50 રૂપિયાને બદલે 1,699 રૂપિયાના ભાવે ઉપલબ્ધ થશે. જ્યારે ચેન્નાઈમાં 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 1,921.50 રૂપિયાથી ઘટીને 1,906 રૂપિયા થઈ ગઈ છે.