સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા કલેક્ટરે કર્યો આદેશ
- પ્રવાસીઓએ ST બસ સ્ટેશનમાં CCTV લગાવવા કલેકટરને રજુઆત કરી હતી,
- સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં પ્રતિદિન 14000થી વધુ પ્રવાસીઓની અવરજવર,
- ડેપા મેનેજરે રાજકોટ એસટી ડિવિઝનને કલેકટરના આદેશની જાણ કરી
સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડોના ખર્ચે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. પણ એસટી બસ સ્ટેશનના બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આથી કેટલાક સ્થાનિક પ્રવાસીઓએ જિલ્લા કલેકટરને રજુઆતો કરી હતી. ઉપરાંત ડેપો મેનેજરને પણ 100થી વધુ લોકોએ લેખિત રજૂઆતો કરી હતી. દરમિયાન કલેકટરે એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ કર્યો છે.
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં સીસીટીવી તેમજ કડક પોલીસ બંદોબસ્ત રાખવા કલેકટરના આદેશ બાદ એસટીના ડેપો મેનેજરે રાજકોટ ડિવિઝનને જાણ કરી છે. સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં પ્રતિદિન 14000 થી વધુ પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. અંદાજે 7 વર્ષ બાદ બનેલા બસ સ્ટેશનમાં શરૂઆતથી અનેક ખામીઓ બૂમરાણો ઉઠી રહી છે. એસટી બસ સ્ટેશનના નવા બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા નથી. પણ હવે ટુંક સમયમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવશે. સુરેન્દ્રનગર એસટી ડેપોના મેનેજર ડી.વી. ચૌધરીએ જણાવ્યુ કે, કલેકટરના આદેશને લઇને રાજકોટ એસટી વિભાગને પણ સીસીટીવી કેમેરા અંગે રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, એસટી સલાહકાર સમિતિના વનરાજસિંહ એસ.રાણાએ સુરેન્દ્રનગરના ડેપોમાં સીસીટીવીની સુવિધા કરવા અંગે રાજકોટ તેમજ અમદાવાદ વડી કચેરીએ અનેક વખત રજૂઆતો કરી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પણ મુસાફરો, શહેરીજનો, વિદ્યાર્થીઓ સહિતના 100થી વધુ લોકોએ 50થી વધુ વખત સીટીવીવી મુદ્દે રજૂઆતો કરી હતી.(File photo)