ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું, ઠંડીમાં આંશિક ઘટાડાની શકયતા
અમદાવાદઃ રાજ્યમાં શીત લહેરનું મોજુ ફરી વળતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. ઠંડા પવન ફુંકાતા હોવાથી વહેલી સવારે અને રાતના માર્ગો ઉપર ટ્રાફિક વ્યવહારને અસર પડી છે. દરમિયાન છેલ્લા 3 દિવસની સરખામણીએ ઠંડીમાં આંશિક ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. નલિયામાં 8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ ગુજરાતના તાપમાનમાં વધારે ફેરફારની સંભાવના નહીંવત્ છે. અમદાવાદમાં આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં હાડ થીજાવતી કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થતાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સતત ફૂંકાઈ રહેલા ઠંડા પવનને કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં શીતલહેર ફેલાઈ હતી. નજીકમાં આવેલ રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન થતાં સર્વત્ર ટાઢ ફરી વળ્યું છે. તેમજ ચોતરફ બરફની ચાદર ફેલાઈ જતાં રમણીય દૃશ્યો જોવા મળી રહ્યા છે. જેને માણવા કડકડતી ઠંડીમાં પણ ગુજરાત તેમજ રાજસ્થાન પંથકના સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
છેલ્લા એકાદ સપ્તાહથી ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાને લીધે ઉત્તર પૂર્વ દિશાના ઠંડા પવન સતત ઉત્તર ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા હોઈ તેની વ્યાપક અસર થઈ છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં જોરદાર પલટો આવતાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. દિવસભર પ્રતિકલાક 6 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફૂંકાયા હતા.