ઉત્તરભારતમાં ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી
- ઉત્તરભારતમાં હિમવર્ષાને પગલે શીત લહેરનું મોજુ ફરી વળ્યું
- આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી
નવી દિલ્હીઃ હવામાન વિભાગે ઓડિશા, આસામ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં આગામી 2-3 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ઠંડીનું મોજું પ્રવર્તી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ નરેશ કુમારે જણાવ્યું હતું કે આ સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની શક્યતા છે.
ઉત્તરભારતમાં પડેલી હીમવર્ષના કારણે સમગ્ર દેશમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમ વર્ષા પડી રહી છે. જેના કારણે ત્રણેય રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ હિમવર્ષાને પગલે સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં શીત લહેરુનું મોજુ ફરી વળતા લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. તેમજ લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની સાથે તાપણાનો સહારો લઈ રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.