ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગએ આગામી 5 થી 6 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની આગાહી કરી છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પંજાબમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળે તેવી શક્યતા વ્યક્તિ કરી છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં આગામી 2 દિવસ દરમિયાન ઠંડીની લહેર જોવા મળી શકે છે.
હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ અને પૂર્વ ભારતમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે. આ દરમિયાન, હવામાન વિભાગે દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આજે રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરી છે.
હિમાચલ પ્રદેશના નીચલા પહાડી અને મેદાની વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત છે. ત્યારે સ્થાનિક હવામાન વિભાગે આ શનિવાર સુધી રાજ્યના 12 માંથી ચાર જિલ્લાઓમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપી છે. હવામાન વિભાગે ઉના, બિલાસપુર, હમીરપુર અને મંડી જિલ્લાના નીચલા પહાડી વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ઠંડીથી ગંભીર કોલ્ડવેવની ચેતવણી જારી કરી છે. જ્યારે ચંબા અને કાંગડા જિલ્લામાં શનિવાર સુધી શીત લહેરની પીળી ચેતવણી જારી કરવામાં આવી છે.