હિમાચલમાં ઠંડીનો ચમકારો, મેદાની વિસ્તારોમાં પારો શૂન્ય પર પહોંચ્યો
નવી દિલ્હીઃ હાલ હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. રાજ્યના મેદાની વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું છે, જ્યારે પર્વતીય અને આદિવાસી વિસ્તારોમાં તે માઈનસ પર છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદ કે હિમવર્ષાની કોઈ શક્યતા નથી, પરંતુ ઠંડી યથાવત રહેશે.
રાજ્યના લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સરેરાશ લઘુત્તમ પારો સામાન્ય કરતા 1.8 ડિગ્રી ઓછો નોંધાયો છે. બિલાસપુર, હમીરપુર અને ઉનાના મેદાની જિલ્લાઓમાં ઠંડીની લહેરથી જનજીવન પ્રભાવિત થયું છે અને આ વિસ્તારોમાં મનાલી, શિમલા અને કુફરી કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે. રાજ્યના મોટાભાગના મેદાની વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી બે ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને સવારે અને રાત્રીના સમયે ઠંડીમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન કેન્દ્ર શિમલાના અહેવાલ અનુસાર, ગુરુવારે સવારે લઘુત્તમ તાપમાન લાહૌલ-સ્પીતિ જિલ્લાના તાબોમાં -11.3 ડિગ્રી સેલ્સિયસ, કુકુમસેરીમાં -5 ડિગ્રી અને કિન્નૌરના કલ્પામાં -1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મેદાની વિસ્તારોમાં ઉના સૌથી ઠંડું રહ્યું હતું, જ્યાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો.
આ સિવાય બિલાસપુરના બર્થિનમાં 0.1 ડિગ્રી, બજૌરામાં 0.7 ડિગ્રી, સોલનમાં 0.8 ડિગ્રી, ભુંતરમાં 1 ડિગ્રી, હમીરપુર અને સુંદરનગરમાં 1.2 ડિગ્રી, નારકંડામાં 1.9 ડિગ્રી, સીઓબાગમાં 2 ડિગ્રી, બિલાસપુરમાં 2.3 ડિગ્રી અને કુફરી, મંડીમાં 2.3 ડિગ્રી, પાલમપુરમાં 2.5 ડિગ્રી, ધર્મશાલામાં 3.4 ડિગ્રી ડિગ્રી, ભરમૌરમાં 3.8 ડિગ્રી, મનાલીમાં 3.9 ડિગ્રી, સરાહન અને દેહરામાં 4 ડિગ્રી, કાંગડામાં 4.8 ડિગ્રી અને શિમલામાં 5 ડિગ્રી.