દિલ્હીમાં ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો
અમદાવાદઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો છે જે શિયાળાની શરૂઆતના સંકેત આપે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઠંડા ઉત્તર-પશ્ચિમ પવનોને કારણે આ ઘટાડો થયો છે, જેની ઝડપ 8 થી 12 કિમી/કલાક છે. આ પવનોની સાથે દિલ્હીમાં આછું ધુમ્મસ અને ઝાકળ પણ જોવા મળી છે.
IMDનો અંદાજ છે કે આગામી પાંચ દિવસમાં તાપમાન વધુ ઘટીને 9 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. અગાઉ, 29 અને 30 નવેમ્બરે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વધતી ઠંડી વચ્ચે દિલ્હીવાસીઓ માટે હવાની ગુણવત્તા હજુ પણ ચિંતાનો વિષય છે. દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત ત્રીજા દિવસે 'નબળી' શ્રેણીમાં રહ્યો. આજે સવારે 8 વાગ્યે કુલ AQI 211 નોંધાયો હતો.
અશોક વિહાર (222), લોધી રોડ (218) અને પતપરગંજ (216) જેવા કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ઊંચું રહ્યું. જો કે, ITO (161), અલીપોર (190) અને ચાંદની ચોક (181) જેવા કેટલાક વિસ્તારોમાં AQI 'મધ્યમ' શ્રેણીમાં રહ્યો. ડ્રોન દૃશ્યો દર્શાવે છે કે બિકાજી કામા, મોતી બાગ અને એઈમ્સ જેવા વિસ્તારોમાં ધુમ્મસનું સ્તર જોવા મળ્યું હતું. જો કે, ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન જેવા સ્થળોએ વિઝિબિલિટી પહેલા કરતા વધુ સારી છે.
- સુપ્રીમ કોર્ટે GRAP-IV ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો
જો કે, પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, સુપ્રીમ કોર્ટે વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-IV હેઠળ કડક પગલાં ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. કોર્ટે આ પગલાં હળવા કરવાનો ઇનકાર કર્યો છે અને આગામી સુનાવણીમાં પરિસ્થિતિની સમીક્ષા કરશે. જેમ જેમ દિલ્હી ઠંડા દિવસો તરફ આગળ વધી રહ્યું છે તેમ હવાની ગુણવત્તામાં થોડો સુધારો થઈ રહ્યો છે.