ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, નલિયામાં તાપમાન 3 ડિગ્રી નોંધાયુ
- ગુજરાતમાં હજુ ઉત્તરાણ સુધી કડકડતી ઠંડી અનુભવાશે
- ઉત્તર-પૂર્વ બર્ફિલા પવનોને લીધે ઠંડીનું જોર યથાવત
- રાજકોટમાં તાપમાન 7.3 ડિગ્રી નોંધાયુ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. ઉત્તર-પૂર્વના બર્ફિલા પવનોને લીધે કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી આકરી ઠંડી અનુભવાઇ રહી છે. ભુજના નલિયામાં તાપમાનનો પારો ગગડીને 3 ડિગ્રી પર પહોંચી ગયો છે. જ્યારે રાજકોટમાં છેલ્લા દશ વર્ષમાં પહેલી વખત લધુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું છે. જો હજુ ઠંડીમાં વધારો થશે તો 2014નો રેકોર્ડ તૂટે શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં આકરી ઠંડી યથાવત રહેશે. જ્યારે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ તા. 9- 15 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. જોકે 10-11 જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો અનુભવાશે, 24 જાન્યુઆરીથી પુનઃ ઠંડીની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે,
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, ખેડા, ગાંધીનગર, જામનગર, બનાસકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 7.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતા 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું છે. જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય રહેતા બપોર સુધી ઠંડીમાં રાહત હતી જોકે સાંજના સમયે ફરી ઠાર પડતા પારો 19 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયો હતો. આ સાથે રાજકોટ સૌથી ઠંડું શહેર બન્યું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી ઠંડું નલિયા રહ્યું છે, જ્યાં તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતુ.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, કચ્છમાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી અનુભવાઇ રહી છે. નલિયામાં પારો ગગડીને 3 ડિગ્રીએ પહોંચતાં મોસમનો સૌથી તીવ્ર ઠાર અનુભવાયો હતો. કંડલા એરપોર્ટ મથક 8.1 ડિગ્રીએ રાજ્યમાં ત્રીજા ક્રમે ઠર્યું હતું તો ભુજમાં પારો 9.2 ડિગ્રી થતાં ચાલુ શિયાળે સાથે પ્રથમવાર ઠંડી એક આંકે પહોંચી હતી. નલિયામાં ઠાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ ન્યૂનતમ પારો વધુ 3 આંક નીચે સરકીને 3 ડિગ્રીએ પહોંચતાં હાડ થીજાવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.