પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ અને ATSનું ઓપરેશન, 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ પકડાયું
- મધ્ય દરિયે કોસ્ટગાર્ડની શીપ જોઈને પાકિસ્તાની માફિયા ડ્રગ્સ દરિયામાં ફેંકીને નાસી ગયા
- કોસ્ટગાર્ડના જવાનોએ પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો
- પોરબંદરના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સામે કોસ્ટગાર્ડ એલર્ટ મોડ પર
અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. અને અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયામાં ડ્રગ્સની હેરાફેરી સૌથી વધુ થતી હોય છે. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડ્સ અને ગુજરાત એટીએસની સતત વોચ રહેતી હોય છે. ત્યારે પોરબંદરથી અરબી સમુદ્રમાં 190 કિલોમિટર દૂર પાકિસ્તાન તરફથી એક શંકાસ્પદ બોટને જોતા જ કોસ્ટગાર્ડ્સ અને એટીએસએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ. ભારતીય કોસ્ટ ગાર્ડની શિપને જોતા જ બોટમાં આવેલા ડ્રગ્સ માફિયાઓ દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકીને નાસી જવામાં સફળ રહ્યા હતા. કોસ્ટગાર્ડના જવાનોએ દરિયામાં ફેકેલો 300 કિલો 1800 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો
ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જતા હોય છે. ત્યારે, વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ને સફળતા મળી છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને નાશી જવામાં સફળ રહ્યા હતા. કોસ્ટગાર્ડના જવાનોએ પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતુ. પોરબંદરથી 190 કિમી દૂર અરબી સમુદ્રમાં 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. આ કાર્યવાહી દરમિયાન, 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાનાં જહાજો અને વિમાનોને પણ તહેનાત કર્યાં હતાં.
સૂત્રોના કહેવા મુજબ કોસ્ટ ગાર્ડ અને એટીએસનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતુ. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી હતી અને ત્યાર બાદ તેને પકડી લીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13 એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી. જોકે, બોટની રાષ્ટ્રીયતા અને ક્રૂની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે શેર કરવામાં આવી નથી.
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો ડ્રગ્સની દાણચોરી માટેનો મુખ્ય માર્ગ બની ગયા છે. તાજેતરના વર્ષોમાં, ICG અને ATSએ અનેક સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં માદક દ્રવ્યો જપ્ત કર્યાં છે. ગયા વર્ષે, એપ્રિલ 2024માં, ICGએ પોરબંદર કિનારા નજીક એક પાકિસ્તાની બોટમાંથી 86 કિલો ડ્રગ્સ (600 કરોડ રૂપિયાની કિંમત) જપ્ત કર્યું હતું અને 14 પાકિસ્તાની ક્રૂ સભ્યની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી 2024માં, ભારતીય નૌકાદળ અને NCB એ પોરબંદર નજીક 3300 કિલો ડ્રગ્સ (3089 કિલો હશીશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિન) જપ્ત કર્યું. તેમની કિંમત 1300થી 2000 કરોડ રૂપિયા હતી.