ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત
- હવામાન વિભાગે 3 દિવસ માવઠાની કરી આગાહી
- પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા
- વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વાહનચાલકો પરેશાન
અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર ઉપર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળો ગોરંભાતા માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજથી ત્રણ દિવસ એટલે કે, 26, 27 અને 28 ડિસેમ્બરે એટલે કે ત્રણ દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન પ્રતિકલાકે 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફુંકાય શકે છે.
ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણથી ખેડુતો ચિંતિત બન્યા હતા. ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિને પગલે લઘુતમ તાપમાનમાં આંશિક વધારો થયો હતો. શિયાળુ પાકને લઈને ખેડૂતો ભારે મુસીબતમાં મુકાયા છે. કારણ કે, ગાઢ ધુમ્મસને કારણે શિયાળા પાક પર અસર થઈ રહી છે, હવે જો કમોસમી વરસાદ પડશે તો રવિપાકને નુકશાનીની ભીતિ ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન વિભાગના કહેવા મુજબ આજથી બે દિવસ સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. સાથે હળવુ વાવાઝોડુ ફૂંકાવાની વકી છે. ભરશિયાળે વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. ત્યારે માવઠાની શક્યતાઓ વધી જતાં રવિ પાક ઉપર વિપરીત અસર થવાનો ભય ઉભો થયો છે.
હવામાન વિભાગ ની આગાહી મુજબ આજે 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.