અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાંયુ વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત
- અમદાવાદ, ગાંધીનગર સહિત શહેરોમાં ધૂમ્મસભર્યું વાતાવરણ,
- તાપમાનમાં આંશિક વધારો પણ પવનની ગતિ વધતાં ઠંડીનો ચમકારો,
- ગતરાતે ડાંગ-આહવા, બાલાસિનોર, બાયડ સહિત તાલુકામાં માવઠું
અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ સર્જાયુ હતું તેમજ ઘણા વિસ્તારોમાં સૂર્ય નારાયણના દર્શન પણ થઈ શક્યા નહતા. જો કે આજે વાદળછાંયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો હતો. ગાંધીનગરમાં તાપમાનનો પારો 18 ડિગ્રી નોંધાયો છે. રાજ્યમાં શિયાળો પણ બરોબર જામ્યો ન હતો. ત્યારે હવે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. અને આજે વહેલી પરોઢથી ધૂમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યનાં ઘણા સ્થળે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ખેડુતો રવિપાકને લઇને ચિંતામાં મૂકાયા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. જ્યારે વલસાડ, બાલાસિનોર, કપડવંજ, ચરોત્તરમાં પણ માવઠુ પડ્યા હોવાના વાવડ મળ્યા છે. ઘઉં, મકાઈ, દિવેલા, ચણા, રાયડો તેમજ શાકભાજીમાં ભારે નુકશાનીની ભીતિ સોવાઇ રહી છે. કપડવંજમાં 3 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આવતી કાલે રવિવારથી એટલે કે તા. 29મી ડિસેમ્બરથી વાતાવરણ સામાન્ય રહેશે. આગામી 24 કલાક બાદ ઠંડીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ પડશે જેને કારણે આવતી કાલે તા. 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે.