બનાસકાંઠામાં વાદળો છવાયાં, માવઠું પડશે તો રવિપાકને નુકશાનની દહેશત
- માવઠાથી આગાહી, ઘઉં-રાયડા સહિત પાકોને નુકસાનની ભીતિ
- થરાદ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો
- જીરું અને એરંડાની સ્થિતિ સારી છતાં હવામાનમાં પલટાથી પાકને નુકસાનની દહેશત
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો જોવા મળ્યા હતા. અને કમોસમી વરસાદ પડે એવું વાતાવરણ સર્જાતા ખેડુતો ચિચિંત બન્યા છે. ખેતરોમાં ઘઉં, રાયડો, બટાકા અને એરંડા જેવા પાકો તૈયાર થવાની સ્થિતિમાં છે. તેમજ થરાદ પંથકમાં જીરું અને એરંડા સહિતના પાકોની સ્થિતિ સારી છે. હવે જો માવઠું પડશે તો આ કૃષિ પાકોને નુકશાન થવાની દહેશત છે, આથી ખેડુતો ચિંતિત જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં હાલ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. આ સમયે ખેતરોમાં ઘઉં, રાયડો, બટાકા અને એરંડા જેવા પાકો તૈયાર થવાની સ્થિતિમાં છે. જો આ તબક્કે કમોસમી વરસાદ પડે તો આ પાકોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ સમયે વરસાદ પડે તો તૈયાર થયેલા પાકોની ગુણવત્તા બગડી શકે છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે. વિશેષ કરીને ઘઉં અને રાયડાના પાકને સૌથી વધુ નુકસાન થવાની આશંકા છે.
આ ઉપરાંત થરાદ પંથકમાં પણ આજે વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ જતાં ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. રવિ સિઝનમાં આ સમયગાળા દરમિયાન જો વરસાદ થાય તો જીરું અને એરંડા જેવા મહત્વપૂર્ણ પાકોને મોટું નુકસાન થવાની સંભાવના રહેલી છે.
સ્થાનિક ખેડૂત આગેવાનોના કહેવા મુજબ થરાદ તાલુકામાં એક અઠવાડિયા અગાઉ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આજે ફરી વહેલી સવારથી આકાશમાં ગોરંભાયેલા વાદળોને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચાલુ વર્ષે જીરું અને એરંડા સહિતના પાકોની સ્થિતિ સારી હોવા છતાં, હવામાનમાં આવેલા અચાનક પલટાથી પાકને નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. વિશેષ કરીને જીરુંના પાક માટે આ સમયે વરસાદ અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે, જે ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે.