જમ્મુના કિશ્તવાડના ચાશોટીમાં વાદળ ફાટ્યું, 12થી વધુ લોકોના મોતની આશંકા
જમ્મુના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં ગુરુવારે (14 ઓગષ્ટ) બપોરે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા બાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ છે. આ ઘટનામાં અત્યાર સુધી 12 લોકોના મોતના સમાચાર છે. મોટા પાયે નુકસાન થવાની પણ શક્યતા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
કિશ્તવાડ જિલ્લાના ચશોટી ગામમાં આ ઘટના બની છે. અહિં ધાર્મિક યાત્રા માટે ઘણા લોકો ભેગા થયા હતા. ત્યારે અચાનક વાદળ ફાટવાથી યાત્રા ઝપેટમાં આવી ગઈ. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. ઘટના સ્થળે રહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
આ અંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના વિપક્ષના નેતા અને સ્થાનિક ધારાસભ્ય સુનીલ કુમાર શર્મા તરફથી વાદળ ફાટવાનો સંદેશ મળ્યા બાદ, તેમણે કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્મા સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું કે ચાશોટી વિસ્તારમાં થયેલા મોટા વાદળ ફાટવાના કારણે ભારે જાનહાનિ થઈ શકે છે. વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે અને બચાવ ટીમો સ્થળ પર રવાના થઈ ગઈ છે. નુકશાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થાપન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જીતેન્દ્ર સિંહે કહ્યું કે મારી ઓફિસ નિયમિતપણે અપડેટ્સ મેળવી રહી છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
કિશ્તવાડમાં મોટું નુકસાન થઈ શકે છે
સુનિલ શર્માએ કહ્યું છે કે કિશ્તવાડમાં ભારે નુકસાન થઈ શકે છે. અમે ત્યાં જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, "અમારી પાસે હજુ સુધી કોઈ આંકડા કે ડેટા નથી, પરંતુ ત્યાં ભારે નુકસાન થવાની સંભાવના છે. હાલમાં અમારી પાસે કોઈ આંકડા કે ડેટા નથી." યાત્રા ચાલુ હોવાથી, આ વિસ્તારમાં ભીડ છે. હું ઉપરાજ્યપાલ સાથે વાત કરીશ અને બચાવ કામગીરી માટે NDRF ટીમની માંગ કરીશ.
કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ શર્માએ જણાવ્યું હતું કે, "કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં અચાનક પૂર આવ્યું હતું, જે માચૈલ માતા યાત્રાનું પ્રારંભિક બિંદુ છે. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે."