અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણી ખાલી કરીને સફાઈ કામગીરીનો પ્રારંભ
- વાસણા બેરેજના દરવાજાની પણ મરામત કરાશે
- નદીમાંથી કચરો અને કાંપ દૂર કરાશે
- આગામી 5મી જુન સુધી કામગીરી ચાલશે
અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદીમાં નર્મદાનું પાણી ભરીને રિવરફ્રન્ટનો વિકાસ કરવામાં આવ્યો છે, શહેરમાં સાબરમતી નદીમાં વાસણા બેરેજ સુધી નદી બેકાંઠા ભરાયેલી રહે છે. હવે નદીમાં સાફ સફાઈ કરવાની હોવાથી આજથી નદીમાંથી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. નદી પાણીથી ખાલી થયા બાદ નદીમાંથી કચરો અને કાંપ કાઢવામાં આવશે. તેમજ વાસણા બેરેજના દરવાજાના રીપેરિંગની કામગીરી તેમજ ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી 12 મે થી 5 જૂન સુધી ચાલશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વાસણા બેરેજના દરવાજાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી આજે 12 મે થી 5 જૂન દરમિયાન કરાશે. આ ઉપરાંત વાસણા બેરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી હાથ ધરાવવાની હોવાથી નદીને સંપૂર્ણ ખાલી કરવાની જરૂર છે. જેની કામગીરીનો 10 મેથી પ્રારંભ થઇ ગયો છે. વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પ બનાવવાનું કામ હાથ ધરવાનું હોવાથી સાબરમતી નદીને ખાલી કરવામાં આવશે. એ પછી રિવરફ્રન્ટ કોર્પોરેશને સુભાષબ્રિજથી લઈ વાસણા બેરેજના સુધીના 5 કિલોમીટર પટ્ટાની સફાઈ કરાશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં નદીમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારે કપડાં, પ્લાસ્ટિક વેસ્ટ, ખંડિત મૂર્તિ સહિતની વસ્તુ મળી આવી હતી. આ વખતે મ્યુનિ. દ્વારા વિવિધ એનજીઓ સાથે મળી અને જનભાગીદારી સફાઈની કામગીરી કરાશે. આ સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નદીના પટને સાફ કરવાની કામગીરી હાથ ધરાશે. નદીના પટને સાફ કરવાની આ કામગીરી જનભાગીદારીથી કરાશે. આ કામગીરીને પગલે સુભાષ બ્રિજથી લઈ અને વાસણા બેરેજ સુધીની ભાગનો વિસ્તાર લગભગ ખાલી થઈ જશે. સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું કામગીરી ચાલી રહી છે, જેથી ત્યાંથી આગળના નદીથી બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીનો ભાગ ખાલી થશે.