સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કામદારો બે મહિનાથી પગારથી વંચિત
- કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોને પગાર ન મળતા કફોડી હાલત,
- ગુજરાત રાજ્ય કર્મચારી સંઘે કલેક્ટરને લેખિત રજૂઆત કરી,
- સપ્તાહમાં બાકી પગાર નહીં ચુકવાય તો કામદારો હડતાળ પર જશે
સુરેન્દ્રનગરઃ શહેરમાં સરેન્દ્રનગર-વઢવાણની સંયુક્ત નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા સફાઈ કામદારો છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે, આજની અસહ્ય મોંઘવારીમાં બે મહિનાથી પગાર ન મળતા સફાઈ કામદારોની હાલત કફોડી બની છે. આ અંગે અગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી, પરંતુ બે મહિનાથી હજુ પગાર ચુકવાયો નથી. આ અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘની આગેવાનીમાં કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગર- વઢવાણ સંયુક્ત નગરપાલિકા કચેરીએ ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઇ પાટડીયાની આગેવાનીમાં કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હતી. છતાંયે હજુ પગાર ચુકવાયો નથી. નગર પાલિકામાં 300થી વધુ સફાઇ કામદાર કામ કરી રહ્યા છે. દિવસે દિવસે વિસ્તાર અને વસ્તી વધી રહી છે. ત્યારે સફાઇ કામદારોની ઘટ હોવા છતાં ઓછા કામદારોમાં શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા સફાઇ કામદારોને નિયમિત પગાર અપાતો નથી. તા.1થી 10 સુધીમાં પગાર ચૂકવણી કરવી જોઇએ. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા 2 માસનો પગાર કરવામાં આવ્યો નથી. જેથી લેબર કાયદાનો ભંગ થાય છે. આથી તાત્કાલિક બાકી ચડત પગાર ચૂકવવો જોઈએ.
નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ કામ કરતા સફાઈ કામદારોને લઘુતમ વેતનના નિયમ મુજબ પગાર સ્લીપ આપવા આવતી નથી. સફાઇ કામદારોને હાજરી કાર્ડ અને પગાર સ્લીપ આપવા માગ કરાઇ હતી. તાત્કાલિક ચડત પગાર 7 દિવસમાં અપાવી ન્યાય આપવા માગ કરી હતી. જો તેમ નહીં કરાય તો સફાઇ કામ બંધ કરવાની ચીમકી આપી હતી.