CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં સ્કુલ બહારના પરીક્ષકો રહેશે
- આગામી 1 જાન્યુઆરીથી સીબીએસઇની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે,
- ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલે જાતે કરવાના રહેશે,
- CBSE બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી લેવાશે
અમદાવાદઃ ગુજરાતમાં સીબીએસઈ બોર્ડ સંલગ્ન સ્કુલો વધતી જાય છે. સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ 15મી ફેબ્રુઆરીથી થશે. જ્યારે ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 1લી જાન્યુઆરીથી લેવાશે. જે તે સ્કૂલોમાં યોજાનારી પ્રેક્ટિકલ પરીક્ષામાં પરીક્ષકો સ્થાનિક સ્કૂલના નહીં પણ બહારની સ્કૂલના રહેશે. જ્યારે ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલે જાતે કરવાના રહેશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની પ્રેક્ટિકલ પરીક્ષાઓની બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં ધો-12ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે બહારથી પરીક્ષકો મોકલાશે. સ્કૂલના પરીક્ષકો પ્રેક્ટિકલ પરીક્ષામાં નિરીક્ષક તરીકે ફરજ બજાવી શકશે નહિ. જ્યારે ધોરણ 10ની પરીક્ષા માટે બહારથી પરીક્ષકો આવશે નહિ. ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલ દ્વારા જ કરાવવાના રહેશે. 1 જાન્યુઆરીથી શરૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષા 14 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. પરીક્ષાના દિવસે જ સ્કૂલ દ્વારા એસેસમેન્ટ કરી વિદ્યાર્થીઓના ગુણ બોર્ડને ઓનલાઈન મોકલી આપવાના રહેશે. સીબીએસઇની ધોરણ 10 અને 12ની બોર્ડની લેખિત પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે.
સીબીએસઈ બોર્ડના સૂત્રોના કહેવા મુજબ ધોરણ 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી ચાલશે. ધોરણ 10ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 18મી માર્ચ સુધી ચાલશે. સીબીએસઇ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને 1 જાન્યુઆરીથી શરૂ થનારી પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ, આંતરિક મૂલ્યાંકન માટે માર્ગદર્શિકા મોકલી અપાઈ છે અને તેનું પાલન કરવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે.