રાજકોટના સ્ટ્રોંગરૂમમાંથી ધોરણ 10 -12ના પ્રશ્નપત્રો 11 જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાયા
- 11 જિલ્લાના 25 ઝોનમાં બે લાખ પ્રશ્નપત્રોનું વિતરણ
- ખાસ એસટી બસોમાં સીલબંધ કવરમાં પ્રશ્નો રવાના કરાયા
- પ્રશ્નપત્રોની રખેવાળી માટે એસટી બસમાં પોલીસ જવાનો પહેરો ભરશે
રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થશે.પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમ પરથી સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લાના 25 ઝોનના 2 લાખ જેટલા પ્રશ્નપત્રોનું આજે સવારથી ખાસ એસટી બસોમાં વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં જે - તે જિલ્લા સુધીની એસટી બસમાં પ્રશ્નપત્રો અને પરીક્ષાલક્ષી સાહિત્યના બંધ સીલ પેક કવરમાં વિતરિત કરવામાં આવ્યા હતા. જેમાં એક બસમાં એક પોલિસ જવાન બંદોબસ્ત માટે રાખવામાં આવ્યો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગના પૂર્વ નાયબ નિયામક અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રશ્નપત્રોના રાજકોટથી વિતરણ માટેના ઇન્ચાર્જ અધિકારી આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીના અંતથી એટલે કે 27મી ફેબ્રુઆરીથી લેવાનો નિર્ણય લેવાયો છે. ધારણ 10 અને 12ની પરીક્ષા વહેલા લેવાથી વિદ્યાર્થીઓના પરિણામો પણ વહેલા આવશે.
તેમણે જણાવ્યું હતું કે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ ખાતે આવેલા 4 જેટલા સ્ટ્રોંગ રૂમમાં સૌરાષ્ટ્ર - કચ્છના 11 જિલ્લાના બોર્ડના પ્રશ્નપત્રો સિલ કરી સાથે રાખવામાં આવ્યા હતા. જેનું આજે સવારથી વિતરણ શરૂ કરાયું હતું જેમાં અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાના ધોરણ 10 ના પ્રશ્નપત્રો આજે દિવસ દરમિયાન મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલે સવારથી રાજકોટ અને મોરબી જિલ્લા ખાતે પોલીસ બંદોબસ્ત સાથે એસટી બસમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 65 કેન્દ્રોના 308 બિલ્ડિંગના 2,753 બ્લોક પરથી 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે સંખ્યા ગત વર્ષે 80,956 હતી એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે 4,644 નો ઘટાડો નોંધાયો છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે. એક પણ પરીક્ષા કેન્દ્ર ઉપર ગેરરીતિ ન થાય તે માટે જિલ્લાના વર્ગ 1 અને 2 ના અધિકારીઓને ફરજ સોંપવામાં આવશે. જેઓએ પૂરો સમય એટ્લે કે પરીક્ષા શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી હાજર રહેવાનો આદેશ છે. જ્યારે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમની સાથે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કરવામાં આવેલા છે.