ગુજરાતમાં વર્ગ 1-2ના અધિકારીઓએ ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ની પરીક્ષા પાસ કરવી પડશે
- ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય
- વર્ગ-1 અને 2ના નવ નિયુક્ત અધિકારીઓએ ફરજિયાત આ કોર્ષ કરવો પડશે
- 9 સપ્તાહનો કોર્ષ કરીને પરીક્ષા આપવી પડશે
ગાંધીનગર: રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં એક સૂત્રતા અને પ્રજાલક્ષી કામોમાં સરળતા લાવવાના ઉદેશ્યથી હવે નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓએ ફરજિયાત ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ કરીને તેની પરીક્ષા આપવી પડશે, જેમાં પહેલો તબક્કો 9 અઠવાડિયાનો છે જેમાં ચાર પેપર તથા બીજા રાજ્યની તુલનાત્મક મુલાકાત હશે, ત્યારબાદ ચાર અઠવાડિયાનો કેડર-વિશિષ્ટ તબક્કો હાથ ધરાશે. છેલ્લે, પૂર્વસેવા તાલીમના પેપર આધારિત મૂલ્યાંકન સાથે કોર્ષ પૂર્ણ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વહીવટીતંત્રની કાર્યક્ષમતા અને પ્રજાલક્ષી કામગીરીમાં સુધારો લાવવાના હેતુથી હવે નવનિયુક્ત વર્ગ-1 અને વર્ગ-2 અધિકારીઓ માટે ફરજિયાત ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ પૂર્ણ કરવો જરૂરી બનશે. આ નિર્ણય રાજ્ય સરકારના ચિંતન શિબિરમાં હાથ ધરાયેલી ચર્ચાઓ બાદ લેવામાં આવ્યો છે, જેમાં તંત્રની કાર્યપદ્ધતિ અને ક્ષમતા અંગે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, આ કોર્ષ હવે બધા નવા અધિકારીઓ માટે ફરજિયાત રહેશે. ભલે તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી થઈ હોય કે સીધી નિમણૂક પામેલા હોય. તાલીમના સમયને વધુ અસરકારક બનાવવા માટે તેને તબક્કાવાર બનાવવામાં આવ્યો છે. પહેલો તબક્કો 9 અઠવાડિયાનો છે જેમાં ચાર પેપર તથા બીજા રાજ્યની તુલનાત્મક મુલાકાત હશે, ત્યારબાદ ચાર અઠવાડિયાનો કેડર-વિશિષ્ટ તબક્કો હાથ ધરાશે. છેલ્લે, પૂર્વસેવા તાલીમના પેપર આધારિત મૂલ્યાંકન સાથે કોર્ષ પૂર્ણ થશે.
સૂત્રોના કહેવા મુજબ તાલીમ વિના સરકારના વિવિધ ક્ષેત્રમાં જોડાતા અધિકારીઓને કામગીરીના અમુક તબક્કે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કાનૂની પ્રણાલીઓ, ફાઇલ મેનેજમેન્ટ અને દસ્તાવેજ પ્રક્રિયામાં ભૂલોથી વહીવટીતંત્રના કાર્યમાં વિલંબ થતો હતો. જેથી આવી ભૂલોને ઘટાડવા અને પ્રશિક્ષિત મેનપાવર તૈયાર કરવા માટે કોમન કોર્ષ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA), અમદાવાદ દ્વારા ચલાવવામાં આવશે, જ્યાં હાલ ડાયરેક્ટર જનરલ તરીકે હરીત શુક્લા કામગીરી નિભાવી રહ્યા છે. કોર્ષ વર્ષે બે વાર – જાન્યુઆરી અને જુલાઈમાં ચાલશે. આવશ્યકતા મુજબ વધુ સત્રોનું આયોજન પણ થશે.