સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપના બે જુથો વચ્ચે પાણીના પ્રશ્ને મારામારી
- મહિલા સરપંચના પરિવાર અને કિશાન મોરચાના હોદ્દેદાર બાખડી પડ્યા,
- મહિલા સરપંચના પુત્રનો લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ,
- ગામમાં ઘણા સમયથી પાણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપના બે જૂથો વચ્ચે પાણીના મુદ્દે મારામારીનો બનાવ બન્યો છે. ભાદરવા હાલના સરપંચના પતિ અને પ્રદેશ કિસાન મોરચાના હોદ્દેદાર વચ્ચે પાણી છોડવા મુદ્દે મારામારીનો બનાવ બનતા બન્નેના સમર્થકો પણ આમને-સામને આવી ગયા હતા. મહિલા સરપંચના પૂત્રએ લોકો પર કાર ચઢાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું કહેવાય છે. આ બનાવનો વીડિયો વાયરલ થતાં સમગ્ર તાલુકામાં ભાજપની આબરૂના લીરેલીરા ઉડ્યા છે અને ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે ભાજપ સાથે સંકળાયેલા બે જૂથ વચ્ચે પાણીના પ્રશ્નને લઈને મારામારી થઈ હતી. મહિલા સરપંચના પરિવાર અને ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના કારોબારી સભ્ય અને વર્તમાન પંચાયતના સભ્યના પરિવાર વચ્ચે જાહેરમાં ધીંગાણું થયું હતું. આ ઘટનામાં મહિલા સરપંચના પુત્રએ લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બે મહિલા કારની ટક્કર વાગતા નીચે પડી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના વીડિયો પણ વાયરલ થયો છે. હાલ આ બનાવ અંગે બંને જૂથે એકબીજા સામે આક્ષેપ- પ્રતિઆક્ષેપ કરતી ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ભાદરવા ગામમાં પાણીની સુવિધા માટે પંચાયત દ્વારા બોર કરવામાં આવ્યો છે. ગામ લોકોને નક્કી કરવામાં આવેલા સમય મુજબ પાણી આપવા માટે ઓપરેટર છે. આ ગામના સરપંચ જ્યોત્સનાબેન મહિપતસિંહ રાણા છે. તેઓ અને તેમના પરિવારજનો ભાજપ પક્ષ સાથે સંકળાયેલા છે. જ્યારે ભાદરવા ગામમાં જ આવેલા લીમ્બીયાવગામાં રહેતા અશોક દલપતભાઈ ગામેચી ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના કારોબારી સભ્ય, પૂર્વ સરપંચ અને વર્તમાન પંચાયત સભ્ય છે. છેલ્લા કેટલાક સમયથી પંચાયત સભ્યના વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઇને વિવાદ ચાલી રહ્યો છે. પંચાયત સભ્ય અશોક ગામેચીએ પોતાના વિસ્તારમાં પાણી ઓછું આવતું હોવાની મહિલા સરપંચના પતિ મહિપતસિંહ રાણાને ફોન કર્યો હતો. પંચાયત સભ્ય દ્વારા કરવામાં આવેલા ફોનના પગલે મહિપતસિંહ રાણા તેમના બે પુત્રો બિટ્ટુસિહ રાણા, સનીસિંહ તેમજ પરિવારના વિશાલ કિશનસિંહ રાણા અને મેહુલસિંહ કિશનસિંહ રાણા સાથે કારમાં લીંમ્બીયાવગામાં પહોંચી ગયા હતા. મહિલા સરપંચના પતિ મહિપતસિંહ રાણા તેમજ તેમના બે પુત્રો અને પરિવારના સભ્યો લીમ્બીયાવગામાં આવતાની સાથે જ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો પંચાયત સભ્યના ઘર પાસે એકઠા થઈ ગયા હતા. લોકોનું ટોળું એકઠું થઈ ગયું હોવા છતાં સરપંચના પરિવાર દ્વારા પાણી માટે ફરિયાદ કરનાર પંચાયત સભ્ય અશોક ગામેચી અને તેમના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો.