માત્ર આધારકાર્ડથી નાગરિકતા સાબિત ન થઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કરી દીધું કે આધારકાર્ડને એકલા નાગરિકતા પુરાવા તરીકે સ્વીકારવું શક્ય નથી. બિહારની મતદાર યાદીનું વિશેષ પુનરીક્ષણ (એસ.આઈ.આર.) દરમિયાન ઉભા થયેલા વિવાદની સુનાવણી દરમ્યાન જસ્ટિસ સુર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટએ જણાવ્યું કે આધાર માત્ર ઓળખપત્ર છે, નાગરિકતા પુરાવા તરીકે તેનો ઉપયોગ થઈ શકતો નથી. મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે ચૂંટણી આયોગ આધાર ઉપરાંત અન્ય જરૂરી દસ્તાવેજો પણ માગી શકે છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધારનો દરજ્જો કાયદા અને અગાઉના ચુકાદા (પુટ્ટાસ્વામી કેસ, 2018)ની બહાર નથી લઈ શકાયો. આધાર અધિનિયમની કલમ 9 અનુસાર આધાર નંબર પોતે નાગરિકતા કે નિવાસનો પુરાવો નથી. 2018ના પુટ્ટાસ્વામી ચુકાદા મુજબ પણ આધારથી ન નાગરિકતા સાબિત થાય છે, ન નિવાસનો અધિકાર મળે છે. સુનાવણી દરમિયાન આરજેડીના વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે ચૂંટણી આયોગે બિહારમાં 65 લાખ નામ દૂર કર્યા છતાં આધારને એકમાત્ર ઓળખપત્ર માનીને નવા નામો ઉમેરવા ઇનકાર કર્યો છે. આ પર કોર્ટએ કહ્યું કે અમે આધારને નાગરિકતા પુરાવા તરીકે દરજ્જો આપી શકતા નથી.
અન્ય પક્ષોએ પણ માંગ કરી કે આધારને સીધો નાગરિકતા પુરાવો માનવો જોઈએ, પરંતુ કોર્ટએ પ્રશ્ન કર્યો કે આધાર પર એટલો ભાર શા માટે? અમે એવો આદેશ આપી શકતા નથી કે આધાર નાગરિકતા માટે અંતિમ પુરાવો ગણાય. ચૂંટણી આયોગના વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી હતી કે બિહારના કેટલાક જિલ્લાઓમાં આધાર કવરેજ 140 ટકા છે, એટલે મોટી સંખ્યામાં ખોટા આધારકાર્ડ બનાવાયા છે. કેન્દ્ર સરકારે પણ દાવો કર્યો કે કેટલાક રાજ્યોમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરોએ ખોટી રીતે આધાર કાર્ડ મેળવી લીધા છે. સુપ્રીમ કોર્ટએ રાજકીય પક્ષોને સૂચના આપી કે તેઓ પોતાના બૂથ લેવલ એજન્ટો અને કાર્યકરોને સક્રિય કરે જેથી મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે નામ કાપાયેલા લોકોને ફરીથી બૂથ લેવલ અધિકારીઓ સામે દાવો દાખલ કરવામાં મદદ મળી શકે.