નાતાલનું વેકેશન, સાસણગીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં, હોટલ- રિસોર્ટ હાઉસફુલ
- ગુજરાત જ નહીં પરપ્રાંતના પ્રવાસીઓમાં પણ વધારો,
- ગીર નેચર સફારી પાર્કમાં વનરાજોને નિહાળતા પ્રવાસીઓ,
- સોમનાથમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ
જુનાગઢઃ નાતાલની રજાઓને કારણે સાસણ ગીરમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. માત્ર ગુજરાતના જ નહીં પણ પરપ્રાંતના તેમજ વિદેશમાં વસવાટ કરતાં એનઆરઆઈ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ એશિયાટિક લાયનને નજીકથી નિહાળવા અને પ્રકૃતિનો આનંદ માણવા માટે સાસણ આવી રહ્યા છે. સાસણ ગીર માત્ર સિંહ દર્શન માટે જ નહીં, પરંતુ પ્રકૃતિના આનંદ માણવા માટે પણ એક મહત્વનું ડેસ્ટીનેશન બની ગયું છે. પ્રવાસીઓના ધસારાને કારણે સાસણ ગીરમાં 350થી વધુ રિસોર્ટ, હોટલ અને ફાર્મ હાઉસ બુક થઈ ગયા છે.
સાસણગીર, સફારી પાર્ક તેમજ સોમનાથમાં પણ નાતાલના મીની વેકેશનને કારણે પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. સાસણના સફારી પાર્કમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આખા એશિયામાં માત્ર સાસણ જ એક એવી જગ્યા છે કે જ્યાં સિંહ વસે છે. સાસણમાં 350થી વધારે રિસોર્ટ, હોટલો અને ફાર્મ હાઉસ છે. દર વર્ષે દરેક તહેવારો અને રજાના દિવસોમાં અહીંની હોટલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં બુકિંગ ફૂલ થઇ જાય છે. ગીર જંગલ 1400થી વધારે ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. પ્રકૃતિની વિવિધતાથી ભરપૂર એવા આ ગીર વિસ્તારમાં 600થી વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. ત્યારે ગીર નેચર સફારી પાર્કમાં સિંહ, દીપડા, હરણ, વરુ સહિતના પશુ પક્ષીઓ અને વન્ય જીવો જોવા મળે છે. સરકાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સારી સુવિધાઓ ઉભી કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાસણગીર ઉપરાંત યાત્રાધામ સોમનાથમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સોમનાથની હોટલોમાં સામાન્ય દિવસોમાં જે રૂમો 1000થી લઈને 3000 સુધીમાં મળી જતા હતા, તે રૂમોના ભાડાઓ 5000થી લઈને 8000 સુધી પહોંચી ગયા છે, જ્યારે સાસણગીર રિસોર્ટમાં સામાન્ય દિવસોમાં એક દિવસનું ભાડું બેથી પાંચ હજાર હતું. જે બેથી ત્રણ ગણા વધી આઠથી દસ હજાર સુધી પહોંચી ગયું છે. ઘણાબધા ગુજરાતી પ્રવાસીઓ સોમનાથમાં રોકાયા છે. અને થર્ટી ફર્સ્ટ મનાવવા માટે દીવ જશે. (File photo)