ચીનનો ખતરનાક પ્લાન: 5 વર્ષમાં 50થી વધુ મિસાઇલ ફેક્ટરીઓ ધમધમતી કરી
ચીન છેલ્લા પાંચ વર્ષથી ઝડપથી મિસાઇલ ઉત્પાદન વધારવાના મિશનમાં લાગી ગયું છે. અમેરિકી સમાચાર ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો અને રિપોર્ટ મુજબ, ચીને અત્યાર સુધીમાં આશરે 50 નવી મિસાઇલ ફેક્ટરીઓ શરૂ કરી છે. તેમાંની બે ફેક્ટરીઓ ભારત-ચીન સરહદની નજીક સ્થિત છે, જે ભારત માટે ચિંતા વધારનારી બાબત છે.
રિપોર્ટ મુજબ, ચીનમાં સૌથી વધુ મિસાઇલ ફેક્ટરીઓ રાજધાની બેઇજિંગ અને વુહાન નજીક સ્થાપિત કરવામાં આવી છે. માત્ર વુહાનમાં જ 10 મિસાઇલ ફેક્ટરીઓ, જ્યારે બેઇજિંગ અને શિયાન પ્રાંતમાં 9-9 ફેક્ટરીઓ કાર્યરત છે. ભારતીય રાજ્ય અસામથી નજીક આવેલા ચેંગડુ અને ગુજિયાંગ વિસ્તારમાં પણ ચીનએ એક-એક મિસાઇલ ફેક્ટરી બનાવી છે.
ચીન ફક્ત ઉત્પાદન જ નહીં, પરંતુ રિસર્ચ અને ટેસ્ટિંગ સેન્ટર પણ ઝડપથી વિકસાવી રહ્યું છે. હાલ તેના પાસે 30 રિસર્ચ સેન્ટર અને 13 ટેસ્ટિંગ સેન્ટર છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના આંકડા પ્રમાણે, ચીન પાસે હાલમાં આશરે 600 પરમાણુ હથિયારો છે, જ્યારે અમેરિકી રિપોર્ટ મુજબ આ આંકડો ઝડપથી વધી શકે છે. સીએનએનના જણાવ્યા પ્રમાણે, ચીન પાસે કુલ 137 મિસાઇલ પ્રોડક્શન સાઇટ્સ છે, જેમાંથી 65 સાઇટ્સનું વિસ્તરણ છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવ્યું છે.
ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સના આંકડા મુજબ, ચીન પાસે હાલમાં 712 મિસાઇલ લોન્ચર્સ છે, જેમાંથી 450થી વધુ લોન્ચર્સ એવા છે કે જે અમેરિકા સુધી મિસાઇલ ફાયર કરી શકે છે. અમેરિકી રક્ષણ વિશ્લેષકોના અંદાજ પ્રમાણે, ચીન પાસે લગભગ 2,200 મિસાઇલ્સ છે.
2012માં રાષ્ટ્રપતિ બનેલા શી જિનપિંગે પિપલ્સ લિબરેશન આર્મીને આધુનિક બનાવવા માટે “રોકેટ ફોર્સ”ની સ્થાપના કરી હતી, જે હવે ચીનની સૈન્ય શક્તિનો સૌથી શક્તિશાળી વિભાગ ગણાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીનની આ વધતી મિસાઇલ પ્રવૃત્તિ એ માત્ર પ્રદેશીય નહીં, પરંતુ વૈશ્વિક સુરક્ષા માટે પણ પડકારરૂપ છે.