જેલના કેદીઓના બાળકોને વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઈનામ અને પુરસ્કારો અપાશે
- કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા ઈનામ અપાશે,
- સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર કેદીઓના બાળકોને કુલ ત્રણ સ્તરે ઈનામો મળશે,
- રમત-ગમત ક્ષેત્રે મેડલ મેળવનારા કેદીના બાળકોને રોકડ રકમ સાથે ટ્રોફિ પણ અપાશે
અમદાવાદઃ ગુજરાતની જુદી જુદી જેલોમાં સજા ભોગવતા કેદીઓના બાળકો માટે વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઈનામ અને પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના જેલ ડીજીપી કે.એલ.એન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર કેદીઓ માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં રાજ્યની જેલોમાં રાખવામાં આવેલા કેદીઓના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે તેમજ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઈનામ અને પુરસ્કારો આપવાના નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગુજરાતના જેલના કેદીઓના બાળકો માટે વિકાસદીપ યોજના અંતર્ગત રોકડ ઈનામ અને પુસ્કાર અપાશે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા પર કેદીઓના બાળકોને કુલ ત્રણ સ્તરે ઈનામો મળશે. જેમાં પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા બદલ 5,001 રૂપિયા અને પ્રમાણપત્ર, મેઈન્સ/લખિત પરીક્ષા પાસ કરવા બદલ 10,001 રૂપિયા અને પ્રમાણપત્ર તેમજ અંતિમ પસંદગી અને નિમણુંક બદલ 15,001 રૂપિયા આપવામાં આવશે.
આ ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સ્તરે બ્રોન્ઝ મેડલ માટે 3,001 રૂપિયા અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે 5,001 રૂપિયા અને પ્રમાણપત્ર તથા ગોલ્ડ મેડલ માટે 7,001 રૂપિયા ઉપરાંત ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા બાળકોને બ્રોન્ઝ મેડલ માટે 7,001 રૂપિયા અને પ્રમાણપત્ર, સિલ્વર મેડલ માટે 10,001 રૂપિયા અને પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ મેડલ માટે 15,001 રૂપિયા સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
ગુજરાતની જેલોમાં 60 વર્ષ વધુ ઉંમરના વૃદ્ધ તથા બીમાર કેદીઓ માટે પણ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધ તથા બીમાર કેદીઓ માટે અલગ બેરેક ફાળવવાશે. આવા કેદીઓને દૈનિક પ્રવૃત્તિઓ માટે કેરટેકર આપાશે, સ્પેશિયલ રેમ્પ્સ, દવાખાનામાં અગ્રિમતા સાથે સુવિધા આપશે. વદ્ધ કેદીઓની નિયમિત તબીબી ચકાસણી અને મેડિકલ કેમ્પનું આયોજન કરાશે.તથા તેમને પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર ઉપલબ્ધ કરાવાશે,