સુરતમાં મ્યુનિના ગાર્ડનમાં લોખંડનો દરવાજો તૂટી પડતા બાળકનું મોત
- સુરતના પર્વતગામ વિસ્તારમાં મ્યુનિના ગાર્ડનમાં બન્યો બનાવ,
- ત્રણ બાળકો ગાર્ડનમાં રમતા હતા અને દરવાજો તૂટી પડ્યો,
- બે બાળકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
સુરતઃ શહેરના પર્વતગામ વિસ્તારમાં મ્યુનિના ગાર્ડનમાં બાળકો રમતા હતા ત્યારે ગાર્ડનનો લોખંડનો ગેટ તૂટી પડતા એક માસૂમ 3 વર્ષના બાળકનું કરૂણ મોત નિપજ્યું છે. જ્યારે બે બાળકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં એક બાળકના મોતથી તેના પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ ઘટના બાદ પરિવાર અને સમાજના આગેવાનોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મૃતક બાળકનું નામ આર્યન સંજય સુવલિયા (ઉંમર 3 વર્ષ) છે. આર્યનનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને મજૂરીકામ માટે સુરત આવ્યો છે. પર્વત ગામના આ ગાર્ડન પાસે મજૂરીકામ ચાલતું હોવાથી આર્યન અને અન્ય બે બાળકો ગેટ પાસે રમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ગાર્ડનનો જર્જરિત અને ભારે લોખંડનો ગેટ તૂટી પડ્યો હતો.
આ બનાવની વિગતો એવી છે. કે, શહેરના પર્વત ગામના મ્યુનિ.સંચાલિત ગાર્ડનમાં શ્રમિક પરિવારના બાળકો રમતા હતા. ત્યારે ગાર્ડનનો લોખંડનો દરવાજો તૂટી પડ્યો હતો. જેમાં આર્યન નામનો બાળક લોખંડના દરવાજા નીચે દબાઈ જવાથી તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે અન્ય બે બાળકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. તાત્કાલિક આર્યનને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અન્ય બે બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. આ બનાવથી આર્યનના માતા-પિતા, સંજય અને ભૂરી સુવલિયા ખૂબ જ આઘાતમાં છે. આ દુર્ઘટના પાલિકાની બેદરકારીને કારણે બની હોવાનું જણાવી સમાજ અગ્રણી હિતેશભાઈ ડામોર સહિત પરિવારે ભારે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગાર્ડનની જાળવણી અને સુરક્ષાની જવાબદારી પાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓની છે. ગેટ જર્જરિત હોવા છતાં તેને રિપેર કરવામાં આવ્યો નહોતો, જેના કારણે આ કરુણ ઘટના બની હતી.
આ ઘટના બાદ શ્રમિક પરિવાર અને સમાજના લોકોએ માગણી કરી હતી કે, મ્યુનિના ગાર્ડન વિભાગના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક ગુનો નોંધવામાં આવે. જ્યાં સુધી આ કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પરિવારના સમજાવવાના પ્રયાસો કરાયા હતા. આ ઘટનાએ મ્યુનિના તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઉભા થયા છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે