For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીએ નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025ના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો

06:15 PM Aug 29, 2025 IST | Vinayak Barot
મુખ્યમંત્રીએ નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ 2025ના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો
Advertisement
  • રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલા ખેલાડીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા
  • કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસુઃ મુખ્યમંત્રી,
  • અમદાવાદ કોમનવેલ્થ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે

અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-2025 માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો. નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા 20 જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. કેમ કે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે.

વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતાં અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વડાપ્રધાનશ્રીના વિઝનનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે તેમના વિઝનનું જ પરિણામ છે. ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ 2010માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભ ૩.૦માં રેકોર્ડબ્રેક 71 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-2025 માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં નારણપુરા ખાતે 22 એકર વિસ્તારમાં મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે 233 એકરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ગત એક દશકમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. હમણાં જ સંસદ સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક 2025 પારિત કરીને કેન્દ્ર સરકારે ખેલાડીઓના હિતોના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. ભારતને વૈશ્વિક રમતગમત ક્ષેત્રનું પાવરહાઉસ બનાવવા અને 2036 ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી-2025 પણ જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ સૌને દેશમાં જ બનેલા સ્વદેશી ઉત્પાદન, રમતગમતના સાધન સામગ્રી ખરીદીને વોકલ ફોર લોકલ થકી આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

રાજ્યસભાના સાંસદ  નરહરિભાઈ અમીનએ જણાવ્યું હતું કે, ભારત આજે રમતગમત ક્ષેત્રે નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કરી રહ્યો છે તેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યમાં રમત ગમત પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ પ્રશંસનીય રીતે વધી રહ્યો છે. આ પ્રવૃતિઓને જન જન સુધી પહોંચાડતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતનું યોગદાન પણ મહત્વનું છે.

આ પ્રસંગે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ   તુષાર ત્રિવેદીએ કહ્યું કે, વર્ષ 1994માં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના થઈ છે. રમત ગમત ક્ષેત્રના તજજ્ઞના સહયોગથી અમે આગળ વધ્યા છીએ. રાજ્યનો રમતગમત વિભાગ પર અમારા માટે સહયોગી બન્યો છે.

Advertisement
Tags :
Advertisement