ગિફ્ટ સિટીમાં સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ
- PMના દૂરોગામી વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું,
- ઇન્ટરનેશનલ એક્સચેન્જના નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને સરળતા થશે,
- ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ પણ સંચાલન
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપશન્સ કોન્ટ્રાકટ્સ ઓપરેશન્સનો બેલ રિંગીંગ સેરિમનીથી પ્રારંભ કરાવ્યો હતો. ગિફ્ટસિટીમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીઝનું પણ સંચાલન થાય છે.
મુખ્યમંત્રીએ નાણાંકીય નવીનતાના ક્ષેત્રોમાં સતત અગ્રણી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જના આ નવા લોન્ચિંગથી વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ માટે સરળતા થશે તેવી અપેક્ષા દર્શાવી હતી.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ઇન્ડિયા INX પર યુ.એસ. ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપશન્સ કોન્ટ્રાક્ટસ એક મહત્વપૂર્ણ પગલું છે. એટલું જ નહીં, ભારતીય નાણાંકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થા સાથે વધુ નજીકથી જોડાવાની તક પણ પૂરી પાડનારું આ કદમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સતત નવા આયામો ઉમેરાઈ રહ્યા છે તેની સરાહના કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરોગામી વિઝનથી કાર્યરત થયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરમાં ફિનટેકનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
તેમણે ઉમેર્યું કે, ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલીયન એક્સચેન્જ સફળતાપૂર્વક અપરેશનલ છે. આ ઉપરાંત બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ અને કેપિટલ માર્કેટ સર્વિસીઝનું પણ સંચાલન થાય છે.
નાના-મોટા અનેક ફિનટેક સાથે ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હોમ બનવા તરફ જઈ રહ્યું છે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ગતિ કરી રહ્યું છે તેમાં આ નવો પ્રારંભ વધુ બળ આપશે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તાજેતરમાં રજૂ થયેલા મોદી 3.O સરકારના વર્ષ 2025-26ના બજેટમાં ગિફ્ટ સિટી ખાતે IFSCમાં કાર્યરત ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ માટે એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનના જે પ્રાવધાનો કરવામાં આવ્યા છે તેના પરિણામે IFSCમાં ફાઇનાન્સિયલ ઇકો સિસ્ટમ વધુ સંગીન અને ગિફ્ટ સિટીની ગ્લોબલ ઓળખ વધુ સુદ્રઢ બનશે. આ અવસરે BSE લિમિટેડના એમ.ડી. અને સી.ઈ.ઓ શ્રી સુંદરરામન રામમૂર્તિએ કી નોટ એડ્રેસ આપ્યું હતું.
ઇન્ડિયા INXના એમ.ડી. અને સી.ઈ.ઓ શ્રી વિજય કૃષ્ણમૂર્તિએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા અને લોન્ચિંગ અવસરની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ગિફ્ટ સિટીના એમ.ડી. તપન રે તથા ફિનટેક, ઇનોવેશન્સ, ફાઇનાન્સ અને બેન્કિંગ સેક્ટરના અગ્રણીઓ તેમજ આમંત્રિતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.