યુદ્ધની સ્થિતિમાં ગુજરાતના સરહદી જિલ્લામાં વધુ તકેદારી રાખવા મુખ્યમંત્રી આપી સુચના
- રાજ્યના આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી
- ગૃહરાજ્ય મંત્રીએ સરહદી જિલ્લાના કલેકટરો અને જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરી,
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈમરજન્સી બેઠર બોલાવી સ્થિતિની સમીક્ષા કરી
ગાંધીનગરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની સ્થિતિને લીધે ગુજરાત એલર્ટ મોડમાં છે. ત્યારે ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુચનાથી સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રીએ પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો અને સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર વગેરે સાથે સમીક્ષા બેઠક કરી છે. સુરક્ષાને ધ્યાને રાખીને ગુજરાતના સરહદી ગામોમાં સુરક્ષાદળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે ભુજ એરપોર્ટને સેનાને હવાલે કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યના તમામ આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
પાકિસ્તાન સાથે તનાવભરી સ્થિતિમાં ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ રહી છે. જેમાં મંત્રીએ સંબંધિત જિલ્લાના કલેક્ટરો તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલીફોનીક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે.
રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી-કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. તેમને ફરજો પર તાત્કાલિક હાજર થવા તથા મંજૂર રજાઓ મુજબ હેડક્વાર્ટર છોડ્યું ન હોય તેમને હેડક્વાર્ટર ન છોડવા પોતાની ફરજો પર તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ કરાયો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોકટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે.