For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મુઝ મેં મિથિલા બસ ગયા-મિથિલાંચલ ડાયરી’નું વિમોચન

03:52 PM Apr 17, 2025 IST | revoi editor
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘મુઝ મેં મિથિલા બસ ગયા મિથિલાંચલ ડાયરી’નું વિમોચન
Advertisement

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. ખ્યાતિ પુરોહિત લિખિત ‘મુઝ મેં મિથિલા બસ ગયા -મિથિલાંચલ ડાયરી’નું વિમોચન ગાંધીનગર ખાતે કર્યું હતું. આ વેળાએ અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક વિમોચનના આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતા અને વિઝનરી નેતૃત્વથી  ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે.

Advertisement

તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ હંમેશા નાનામાં નાની પણ અસરકારક બાબતોનું હમેશા ધ્યાન રાખ્યું છે. પર્યાવરણપ્રિય અભિગમ સાથે સ્વચ્છતાની બાબત હોય કે નવા ઉભરતા ક્ષેત્રો અને ઉદ્યોગોને પ્રોત્સાહન, તેમણે હંમેશા દરેક પ્રશ્નોના સમાધાનની દિશા આપી છે. સાહિત્યને અદભુત તાકાત ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સાહિત્યમાં અભિવ્યક્તિની વિશેષ તાકાત છે. જ્યારે જનસામાન્યની અભિવ્યક્તિની મર્યાદા આવે છે, ત્યારે સાહિત્યકારનો અવાજ બુલંદ થાય છે અને સમાજમાં જનચેતના ભરીને નવી જાગૃતિનો સંચાર કરે છે.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું કે, મિથિલાંચલ ડાયરી એ યાત્રા સાહિત્યના પ્રકારની કૃતિ છે. વાંચન અને અભ્યાસથી ચિંતન અને મનન કરવાનો અભિગમ કેળવવો જોઈએ. આપણી ભાષાના યાત્રા સાહિત્યમાં આપણી વિરાસતની અનુભૂતિ છે. ઐતિહાસિક સ્થળોની પ્રત્યક્ષ મુલાકાતનું મૂલ્ય વિશેષ છે. જ્યારે પણ આપણે આવા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત કરીએ ત્યારે પ્રવાસની સાથે અંતરમનથી અનુભૂતિ કરીએ. સ્થળ અનુભવ એ અનુભૂતિનું અનોખું માધ્યમ છે. કોઈ પણ કાર્ય કરીએ એમાં સાતત્યનું મહત્વ વિશેષ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

શ્રીધર પરાડકરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સાહિત્ય પરિષદે સાહિત્ય સંવર્ધન માટે યાત્રા કરવાનો અનોખો ઉપક્રમ જાળવી રાખ્યો છે. યાત્રા સાહિત્યને ભારતમાં વિશેષ મહત્વ અપાવું જોઈએ તેવો અનુરોધ કરતા તેમણે કહ્યું હતું કે, યાત્રા સાહિત્યમાં ફાહિયાન, હ્યુએન ત્સાંગ, મેગેસ્થનીસ જેવા વિદેશી યાત્રાળુંઓના પ્રસંગો ઇતિહાસમાં જોવા મળે છે. આપણે ત્યાં કાકા કાલેલકરનું યાત્રા સાહિત્ય ઉપલબ્ધ છે.

તેમણે ઇતિહાસકાર અને સાહિત્યકારના દૃષ્ટિકોણથી યાત્રા સાહિત્યનો ભેદ જણાવતા કહ્યું કે, એક સાહિત્યકાર દ્વારા વિશેષ મહત્વ ધરાવતા કે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને તેનું લેખન કરવામાં આવે એમાં તથ્યોની સમજ સાથે સામાન્ય માનવીની સમજણ વધુ વિકસે છે. મિથિલાંચલ ડાયરી પણ આવું જ સાહિત્ય છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ અવસરે પુસ્તકનાં લેખિકા ડૉ. ખ્યાતિ પુરોહિતે પુસ્તક લખવાની પોતાની પ્રવાસ યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સાહિત્યકારો, અધ્યાપકો તેમજ સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement