ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ અધ્યાય-૨’ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- દરેક ટીકા પાછળનો ભાવ હકારાત્મક અને લોકકલ્યાણનો હોવો જોઈએ: મુખ્યમંત્રી
- નેગેટિવિટીને પોઝિટિવિટીમાં બદલીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું: મુખ્યમંત્રી
- સનાતન મૂલ્યોના જતન સાથે યુવા શક્તિ સમય સાથે કદમ મિલાવે: મુખ્યમંત્રી
- ગુજરાતના વિકાસમાં 'ભાવ, રાગ અને તાલ' નું મહત્ત્વ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ગાંધીનગર, 12 ડિસેમ્બર, 2025ઃ Bharatkool Chapter-2 Gujarat Media Club મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત 'ભારતકૂલ અધ્યાય-૨'ના શુભારંભ પ્રસંગે માધ્યમોની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું કે રાજ્યના વિકાસમાં મીડિયાની ભૂમિકા સહાયકની છે. સરકાર હંમેશાં નાગરિકોની સુખાકારી માટે પ્રયત્નશીલ છે, ત્યારે નીતિઓમાં સુધારા અને લોકકલ્યાણ માટે યોગ્ય ટીકા જરૂરી છે, પણ તેની પાછળનો ભાવ હકારાત્મક હોવો જોઈએ.
મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે વિશ્વમાં ભારતની ઓળખ તેની પ્રાચીન અને પરમ સત્ય તરફ લઈ જનારી સંસ્કૃતિને કારણે જ છે. તેમણે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે તેમણે પશ્ચિમના લોકોને માત્ર ભારતીય સંસ્કૃતિની એક નાની ઝલક જ આપી હતી, જેનાથી તેઓ પ્રભાવિત થઈ ગયા હતા. જે લોકો તેમાં ઊંડા ઉતર્યા તેમણે પોતાનું જીવન આ સંસ્કૃતિને સમર્પિત કરી દીધું. નવી પેઢીને આપણી સનાતન સભ્યતાનાં મૂળ મૂલ્યોનો પરિચય થાય તે પણ ખૂબ જ આવશ્યક છે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે ભારતકૂલના આ બીજા અધ્યાયના આયોજન બદલ ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીને અભિનંદન પાઠવી, યુવા શક્તિને તેમના સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાવા બદલ આ કાર્યક્રમને એક યોગ્ય મંચ ગણાવ્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના વિકાસમાં 'ભાવ, રાગ અને તાલ'ને મહત્ત્વના ગણાવી ભારતકૂલના કાર્યક્રમમાં 'ભાવ, રાગ અને તાલ' જેવા અદભુત વિષયોની પસંદગી બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસની હરણફાળની જે રીતે શરૂઆત કરાવી, તેની પાછળ રાજ્યના વિકાસનો ભાવ મુખ્ય હતો. તેમના મતે, પોતાના રાજ્ય માટે કંઈક સારું થાય તો ખુશી થવી જોઈએ અને કંઈ ખરાબ થાય તો દુઃખ થવું જોઈએ, આ જ ભાવના વિકાસ માટે અનિવાર્ય છે. આ ત્રણેય વિષયો-ભાવ, રાગ અને તાલ પર યુવાનો વધુમાં વધુ જોડાય તે માટેના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત બીએપીએસ સંસ્થાના સંત બ્રહ્મવિહારી સ્વામીએ વર્તમાન સમયમાં મીડિયાના મહત્ત્વ વિશે વાત કરતાં કહ્યું કે સત્યને ઉજાગર કરવું એ માધ્યમોનો ધર્મ છે. આ માટે સતત સવાલો પૂછવા જોઈએ. પરંતુ, સાથે-સાથે ‘સ્વ’ને પણ સવાલો પૂછતા રહેવા તેમણે માર્મિક ટકોર કરી હતી. ગુજરાતથી શરૂ કરેલી વિકાસયાત્રાથી આગળ વધીને ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા માટે વડાપ્રધાન મોદીના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામનું ઉદાહરણ ટાંકીને રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી થવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે સંસ્થાનાં કાર્યો તથા 'ભારતકૂલ' કાર્યક્રમ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે જ્યાંથી પ્રથમ અધ્યાયને અલ્પવિરામ મૂક્યું હતું, ત્યાંથી બીજો અધ્યાય આગળ વધી રહ્યો છે. તેમણે આ આયોજનને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ ગણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, ગુજરાત મીડિયા ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ દીક્ષિત સોની, જનરલ સેક્રેટરી સંજય પાંડે, ભારતકૂલના ફાઉન્ડર મલ્હાર દવે તેમજ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ તેમજ સાહિત્યરસિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.