ધોરાજીના છાડવાવદર ગામે 10 વર્ષથી સ્કૂલ બંધ છતાંયે માત્ર 25 ટકા ગ્રાન્ટ કાપનો નિર્ણય
- શિક્ષણ વિભાગ રાજકિય દબાણને લીધે ધીમી કાર્યવાહી કરી રહ્યાને આક્ષેપ
- સ્કૂલ 10 વર્ષથી બંધ પણ તપાસમાં માત્ર 3 વર્ષથી બંધ હોવાનો રિપોર્ટ
- ગ્રામજનો કહે છે, એક ધારાસભ્યના ફોનથી ભીનું સંકેલવાના પ્રયાસ
રાજકોટઃ ધોરાજીના છાડવાવદર ગામ નજીક આવેલી ગ્રાન્ટેડ શાળા છેલ્લા કેટલાક વર્ષોથી બંધ હોવા છતાંયે ગ્રાન્ટ મેળવવવામાં આવતી હોવાનો પડદાફાશ થયો હતો. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે. કે આ ગ્રાન્ટેડ શાળા તો છેલ્લા 10 વર્ષથી બંધ છે. જ્યારે ઈન્ચાર્જ શિક્ષણાધિકારીએ ત્રણ વર્ષથી શાળા બંધ હોવાનું કહીને મહિવા બાદ માત્ર 25 ટકા ગ્રાન્ટ કાપનો નિર્ણય કર્યો છે. રાજકીય દબાણને લીધે આ પ્રકરણમાં ભીનું સંકેલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ધોરાજી તાલુકાના છાડવાવદર અને ભોલ ગામની વચ્ચે આવેલી જે. જે. કાલરીયા નામની ગ્રાન્ટેડ શાળા વર્ષોથી બંધ હોવા છતાંયે ગ્રાન્ટ મેળવવામાં આવતી હોવાથી ફરિયાદો ઊઠ્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા રાજકીય દબાણને વશ થઈને આ પ્રકરણમાં ભીનું સંકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા બંધ હોવા છતાંયે ગ્રાન્ટ મેળવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયાને એક માસ જેટલો સમય વીત્યા બાદ હવે સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ કાપ મૂકવાનો નિર્ણય ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, 100 ટકા ગ્રાન્ટ કાપ, સરકારનો પગાર લઈ નોકરી ન કરતા આચાર્ય અને ક્લાર્કના પગારની રિકવરી કરવાની તો હજૂ બાકી છે. ત્યારે બનાવમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે.
દરમિયાન રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, ધોરાજીની ગ્રાન્ટેડ સ્કૂલની 25 ટકા ગ્રાન્ટ કાપ મુકવામાં આવી છે. 100 ટકા ગ્રાન્ટ કાપ મુકવા માટે સ્ટેટમાં દરખાસ્ત કરવી પડે છે, જે આજે કરી દીધી છે. 01-01-2022થી સ્કૂલને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તેની રિકવરી સ્ટેટની મંજૂરી બાદ થશે. જ્યારે આચાર્ય અને ક્લાર્કના પગારની રિકવરીની મંજૂરી હવે પછી સ્ટેટમાંથી મેળવવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય સ્ટેટની મંજૂરીથી જ થશે.
ધોરાજીના છાડવાવદરના ગ્રામજનોની નનામી અરજીના આધારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરેલી તપાસમાં સામે આવ્યું હતુ કે આ સ્કૂલ છેલ્લા 3 વર્ષથી બંધ છે અને અહીં ધો. 9 અને 10ના 30 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં એક મહિલા આચાર્ય અને ક્લાર્ક છે. જેને પગાર સરકાર ચૂકવી રહી છે. જોકે, ગ્રામજનોએ આ સ્કૂલ 10 વર્ષથી બંધ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે ધો. 9 અને 10માં 54 વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે, તેવું કાગળ પર દર્શાવતા ટ્રસ્ટી મંડળને સ્કૂલ બંધ શા માટે ન કરવી તેની નોટિસ રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફટકારવામાં આવી હતી. જ્યારે ઘરે બેઠા વર્ષોથી સરકારનો પગાર લેતા આચાર્ય અને ક્લાર્કને પગારની રિકવરી શા માટે ન કરવી તેવી નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો પૂછાયો હતો. ત્યારબાદ આ પ્રકરણમાં કહેવાય છે કે, રાજકીય દબાણને કારણે આ કેસમાં ભીંનું સંકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.