ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલીએ PM મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળ્યું
નવી દિલ્હીઃ ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલી રમેશબાબુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 'X' એકાઉન્ટનું સંભાળ્યું હતું. આ પીએમ મોદીની પહેલનો એક ભાગ હતો જેમાં તેમણે વચન આપ્યું હતું કે આ ખાસ દિવસે, તેમના સોશિયલ મીડિયાને એવી મહિલાઓ સંભાળશે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ અગાઉ મહિલા દિવસ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, “અમે આપણી મહિલા શક્તિને સલામ કરીએ છીએ. અમારી સરકારે હંમેશા મહિલાઓના સશક્તિકરણ માટે કામ કર્યું છે, જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. આજે વચન મુજબ, મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એવી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે જેમણે પોતાના ક્ષેત્રમાં એક છાપ છોડી છે. આ વચનને પૂર્ણ કરતા શનિવારે, ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલીએ પ્રધાનમંત્રીનું 'X' એકાઉન્ટ સંભાળ્યું અને પોતાની પ્રેરણાદાયી સ્ટોરી શેર કરી.
વૈશાલીએ પોતાની પોસ્ટની શરૂઆત કરતાં લખ્યું કે, “વળાક્કમ! હું વૈશાલી છું અને મને ખૂબ જ આનંદ છે કે મહિલા દિવસના અવસર પર મને પ્રધાનમંત્રી મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેન્ડલ કરવાની તક મળી. હું ચેસ રમું છું અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મને ગર્વ છે.
પોતાની યાત્રા વિશે વાત કરતા વૈશાલીએ કહ્યું કે, તેમનો જન્મ 21 જૂનના રોજ થયો હતો, જેને હવે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વધુમાં કહ્યું કે, તેણીએ માત્ર 6 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું અને આ સફર તેના માટે રોમાંચક અને શીખવા જેવી રહી છે. વૈશાલીએ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સફળતા મેળવી છે, પરંતુ તેણીએ હજુ પણ આગળ વધીને દેશને વધુ ગૌરવ અપાવવાનું છે.
યુવાનોને, ખાસ કરીને છોકરીઓને પ્રેરણા આપતાં તેણીએ કહ્યું કે, “હું બધી છોકરીઓને કહેવા માંગુ છું કે ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ પોતાના સપનાઓને અનુસરે. તમારો જુસ્સો તમારી સૌથી મોટી તાકાત બનશે. તમે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધી શકો છો, ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને અટકશો નહીં.
વૈશાલીએ વધુમાં ઉમેર્યું કે, તેણીની આગામી મહત્વાકાંક્ષા તેણીના FIDE રેન્કિંગમાં વધુ સુધારો કરવાની અને ચેસની દુનિયામાં ભારતને વધુ ઊંચાઈએ લઈ જવાની છે. તેણીએ યુવાનોને રમતગમતમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે, “રમતગમત શ્રેષ્ઠ શિક્ષક છે. તે શિસ્ત, ધીરજ અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતા શીખવે છે.
વૈશાલીએ માતા-પિતા અને પરિવાર તરફથી મળતા સહયોગનું મહત્ત્વ પણ સમજાવ્યું. તેણીએ કહ્યું કે, “હું માતા-પિતા અને ભાઈ-બહેનોને કહેવા માંગુ છું કે તેઓ તેમની દીકરીઓને ટેકો આપે અને તેમની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખે. તે ચમત્કારો કરી શકે છે. મારા માતા-પિતા એવા રમેશબાબુ અને નાગલક્ષ્મીએ મારા માટે પ્રેરણાના સ્ત્રોત છે. મારા ભાઈ અને મારા કોચે પણ મારી સફરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
ભારતમાં મહિલા ખેલાડીઓ માટે વધતા સમર્થનની પણ પ્રશંસા કરી અને તેણીએ કહ્યું કે, હવે ભારતમાં મહિલા ખેલાડીઓને ખૂબ જ સારો ટેકો મળી રહ્યો છે, જેના કારણે તેમને તેમની રમતમાં વધુ સારું પ્રદર્શન કરવાની તક મળી રહી છે. સરકાર દ્વારા મહિલાઓને રમતગમતમાં પ્રોત્સાહન આપવા, તાલીમ સુવિધાઓ અને અનુભવ પૂરો પાડવાના પ્રયાસો પ્રશંસનીય છે. ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલીની આ પ્રેરણાદાયી સ્ટોરી ચોક્કસપણે તે બધી છોકરીઓ માટે એક મહાન સંદેશ છે જેમની પાસે પોતાના સપનાઓને અનુસરવાની હિંમત છે.