દેશની અદાલતોમાં હવે ચેક બાઉન્સના કેસોનો ઝડપી નિકાલ લવાશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટએ ચેક બાઉન્સના કેસોમાં લાંબી ચાલી રહેલી પ્રક્રિયા પર ગંભીર ચિંતા વ્યક્ત કરતાં દેશભરની નીચલી અદાલતો માટે મહત્વપૂર્ણ નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો 1 નવેમ્બર, 2025થી અમલમાં આવશે. જસ્ટિસ મનમોહન અને એન.વી. અંઝારિયાની બેન્ચે નોંધ્યું કે અનેક રાજ્યોમાં પેન્ડિંગ કેસોમાંથી લગભગ અડધા કેસ ચેક બાઉન્સ સંબંધિત છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં આ સ્થિતિ વધારે ગંભીર છે.
સુપ્રીમ કોર્ટએ પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું કે આવા કેસોમાં સજા આપવાની જગ્યાએ ચુકવણી સુનિશ્ચિત કરવી અગત્યની છે. કોર્ટે ફરિયાદ સાથે એક વિશેષ ફોર્મ ફરજિયાત બનાવવા કહ્યું છે જેમાં ચેકની તારીખ, રકમ, બેંક વગેરેની વિગતો રહેશે.
- સુપ્રીમ કોર્ટના મુખ્ય માર્ગદર્શન
સમનનો નવો પ્રકારે પહોંચાડવો : ફરિયાદકર્તા આરોપીના મોબાઇલ અને ઇમેઇલની વિગતો એફિડેવિટ સાથે આપશે. અદાલત સમન પોસ્ટ, પોલીસ સિવાય ઇમેઇલ, વોટ્સએપ અને અન્ય મેસેજિંગ એપ દ્વારા પણ મોકલશે.
દસ્તી સર્વિસ ફરજિયાત : ફરિયાદકર્તાએ વ્યક્તિગત રીતે સમનની નકલ પહોંચાડવી અને પછી સોંગદનામુ આપવું પડશે.
ઓનલાઇન ચુકવણીની સુવિધા : જિલ્લાની અદાલતોમાં સુરક્ષિત ક્યુઆર/યુપીઆઈ આધારિત લિંક આપવામાં આવશે, જેથી આરોપી તરત જ રકમ ચૂકવી કેસ સમાપ્ત કરી શકે.
સમરી ટ્રાયલને પ્રાથમિકતા : લાંબી કાર્યવાહી ટાળવા માટે આવા કેસોને ઝડપી સુનાવણીમાં પૂર્ણ કરવા પડશે.
અંતરિમ જમા રકમ : યોગ્ય કેસોમાં અદાલત વહેલી તકે અંતરિમ રકમ જમા કરવાનો આદેશ આપી શકે છે.
બન્ને પક્ષોની હાજરી : સમન પહોંચ્યા પછી આરોપીની હાજરી ફરજિયાત રહેશે.
ઈવનિંગ કોર્ટ : સાંજની અદાલતોમાં ચેક બાઉન્સ કેસોની રકમ મર્યાદા વધારવામાં આવશે.
ડેશબોર્ડ : દિલ્હી, મુંબઈ અને કોલકાતા માટે ખાસ ડેશબોર્ડ બનાવાશે, જેમાં કેસોની પ્રગતિની માહિતી અપડેટ કરવામાં આવશે.
નિરીક્ષણ સમિતિ : ત્રણેય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પોતાના અધિકારક્ષેત્રની અદાલતો માટે આંતરિક સમિતિ બનાવશે.
લોક અદાલત/સુલેહને પ્રોત્સાહન : આવા કેસોને અનુભવી મેજિસ્ટ્રેટ સંભાળે અને મધ્યસ્થતા અથવા લોક અદાલત દ્વારા નિકાલને પ્રાથમિકતા આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટએ જણાવ્યું કે, જો આરોપી પહેલાં રકમ ચૂકવી દે તો કોઈ વધારાની કિંમત ચૂકવવી નહીં પડે. જો ચુકવણી જિરહ બાદ પરંતુ નિર્ણય પહેલાં કરે તો 5% વધારું ભરવું પડશે. હાઈકોર્ટમાં ચુકવણી થાય તો 7.5% અને સુપ્રીમ કોર્ટમાં થાય તો 10% વધારાનું ભરવું પડશે. ચેક બાઉન્સ કેસોમાં મહત્તમ 2 વર્ષની સજાનું પ્રાવધાન છે, પરંતુ સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ કર્યું કે દોષિતને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ ઍક્ટ, 1958 હેઠળ રાહત મળવા યોગ્ય માનવામાં આવશે.