સુરતમાં ખાદ્ય ચિજ વસ્તુઓ વેચતી દુકાનો પર ચેકિંગ, દૂધના માવામાં ભેળસેળ પકડાઈ
- શહેરના વિવિધ વિસ્તારોમાંથી દૂધના માવાના 22 નમૂના લેવાયા,
- દૂધના માવાના 10 નમૂનાઓમાં વેજીટેબલ ફેટનું ઊંચું પ્રમાણ,
- દૂધના માવામાં વેજીટેબલ ફેટની ભેળસેળ જોખમી
સુરતઃ જન્માષ્ટમી સહિતના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓની ગુણવત્તા ચકાસણી માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત મ્યુનિના આરોગ્ય વિભાગે ત્રણ દિવસ પહેલા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દૂધના માવાના 22 નમૂના લીધા હતા. આ નમૂનાઓના પરિણામોએ ચોંકાવનારી વાસ્તવિકતા છતી કરી છે, જેમાં 10 નમૂનાઓ ધારાધોરણો વિરુદ્ધ હોવાનો રિપોર્ટ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના કહેવા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ-મીઠાઈનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને દૂધના માવાના 22 નમુના લેવામાં આવ્યા હતા. જેમાં દૂધના માવાનું લેબ.માં પરીક્ષણ બાદ રિપોર્ટ આવતા 10 નમૂનાઓમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ વધુ હતું. દૂધના શુદ્ધ માવામાં પ્રાકૃતિક દૂધની ચરબી હોવી જોઈએ, પરંતુ આ નમૂનાઓમાં કૃત્રિમ રીતે ભેળવેલી વનસ્પતિ ચરબી મળી આવી છે. આ પ્રકારની ભેળસેળ ગ્રાહકોના આરોગ્ય માટે અત્યંત હાનિકારક ગણવામાં આવે છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, નિષ્ફળ ગયેલા નમૂનાઓ શહેરના જુદા-જુદા વિસ્તારોની 8 સંસ્થાઓમાંથી લેવામાં આવ્યા હતા. આમાં હરીપુરા, વાડી ફળિયા, ઉધના, નાની છીપવાડ, બરાનપુરી ભાગળ, વરાછા, કોટસફીલ રોડ અને કતારગામ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે, દૂધના માવામાં વેજીટેબલ ફેટની મિલાવત આરોગ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે. માવો શુદ્ધ દૂધમાંથી બનતો હોવો જોઈએ, જેમાં પ્રાકૃતિક દૂધની ચરબી હોય છે. પરંતુ, જ્યારે તેમાં સસ્તા અને નીચી ગુણવત્તાવાળા હાઇડ્રોજનેટેડ તેલ (વનસ્પતિ ઘી) અથવા પામ તેલ જેવી વનસ્પતિ ચરબી ભેળવવામાં આવે છે, ત્યારે તેની પોષકતા ઘટી જાય છે. આ વેજીટેબલ ફેટમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોઈ શકે છે, જે શરીરમાં "ખરાબ" કોલેસ્ટ્રોલ (LDL) વધારે છે અને "સારા" કોલેસ્ટ્રોલ (HDL) ઘટાડે છે.