રાજકોટમાં મ્યુનિના ફુડ વિભાગનું ચેકિંગ, 85 કિલો વાસી પનીરનો જથ્થો નાશ કરાયો
- અગાઉ પણ પનીરના સેમ્પલ ફેલ થતાં કલેકટરે એક લાખનો દંડ ફટકાર્યો હતો,
- ફુડ વિભાગના દરોડામાં સોરઠીયાવાડી વિસ્તારના ડેરીમાં વાસી પનીરનો જથ્થો મળ્યો,
- ફુડ વિભાગે 20 વેપારીઓને ત્યા તપાસ કરીને 17 ખાદ્ય વસ્તુના નમુના લીધા
રાજકોટઃ શહેરમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશનના ફુડ વિભાગે સોરઠિયાવાડ વિસ્તારમાં આવેલી એક ડેરીમાં તપાસ કરતા પનીરો વાસી જથ્થો મળી આવ્યો હતો. આથી 85 કિલો વાસી પનીરનો જથ્થો નાશ કરવામાં આન્યો હતો. આ ઉપરાંત 20 જેટલા વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી જેમાં 17 જેટલા નમુના લઈને પરીક્ષણ માટે મોકલી અપાયા છે.
આરએમસીના સૂત્રોના કહેવા મુજબ મ્યુનિના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સોરઠિયાવાડ વિસ્તારમાં આવેલી અજેન્દ્ર ડેરીમાં તપાસ કરતા ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચેકિંગમાં પનીરનો નમુનો ફેઇલ જવા બદલ થોડા સમય પહેલા જ સોરઠીયાવાડીની અજેન્દ્ર ડેરીને દંડ કરતો ચુકાદો એડિશનલ કલેકટર દ્વારા આપવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલા લેવાયેલા નમુનાની કાર્યવાહી બાદ પણ આ ડેરીએ આરોગ્ય જોખમાય તે રીતનું પનીર વેચવાનું ચાલુ રાખ્યું હતું. નવા ચેકિંગમાં પણ આ ડેરીમાંથી 85 કિલો વાસી પનીરનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે.
આરએમસીના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના 80 ફૂટ રોડ પર સોરઠીયાવાડી 6-8 કોર્નર પર અજેન્દ્ર ડેરી ફાર્મમાં તપાસ કરતા ફ્રિજમાં સંગ્રહ કરેલો પેક્ડ પનીરના જથ્થા પર ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ લેબલિંગ મુજબ મેન્યુફેકચર ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર વગેરે જેવી વિગતો દર્શાવેલ ન હોવાનું દેખાયું હતુ. આ ઉપરાંત આ જથ્થો વાસી જણાતા જાહેર આરોગ્યના હિતાર્થે અંદાજિત 85 કિલો પેક્ડ પનીરના જથ્થાનો નાશ કરાયો છે. જયારે પેઢીને સ્થળ પર હાઇજેનીક કન્ડિશન જાળવવા તથા પેક્ડ ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલ પર જરૂરી વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપી પનીરનો નમુનો લેવામાં આવ્યો છે. ગત વર્ષે પણ આ પેઢીમાંથી વાસી પનીર પકડાયા બાદ અહીં હજુ આવું પનીર વેંચાતુ હોવાની ફરિયાદ મળતા આ દરોડો પાડવામાં આવ્યાનું ફૂડ વિભાગે જણાવ્યું હતું.
ફૂડ વિભાગની ટીમે સેફટી વાન સાથે સંતકબીર રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીને ત્યાં 17 નમુનાની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 6 વેપારીને લાયસન્સ માટે નોટિસ આપવામાં આવી છે. તેમજ એક બેકરીની અન્ય બ્રાન્ચમાંથી પણ કેક, ટોસ્ટ સહિતના નમુના લઇને લેબોરેટરીમાં મોકલ્યા છે.