ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર, બે સહપ્રભારીની હાઈકમાન્ડે કરી નિમણૂંક
- પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી તરીકે બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવને જવાબદારી
- અગાઉના સહ પ્રભારી તરીકે ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવીને મુક્ત કરાયા,
- પ્રદેશના સંગઠનમાં હજુ પણ કેટલાક ફેરફાર થવાની શક્યતા
અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરીને અગાઉના બે સહપ્રભારીને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરીને નવા બે સહ પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે દેવેન્દ્ર યાદવ અને બી.વી. શ્રીનિવાસની ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે નિમણૂક કરી છે. હવે પ્રદેશના સંગઠનમાં પણ થોડા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. જિલ્લા અને શહેર પ્રમુખો પાસે કામગીરીનો રિપોર્ટ માગવામાં આવ્યો છે. નબળી કામગીરી હશે તેવા નેતાઓને જવાબદારીમાંથી મુક્ત કરીને નવી નિમણૂકો કરવામાં આવશે.
કોંગ્રસના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં પણ બે સહ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. દેવેન્દ્ર યાદવ અને બી.વી. શ્રીનિવાસની ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના અગાઉના સહ પ્રભારી ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવીને અન્ય પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ઉલટફેર કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશના સહપ્રભારી તરીકે યુવા અને આક્રમક બે નેતાઓની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી છે. રાહુલ ગાંધીની નજીકના બે નેતાઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીના સભ્ય દેવેન્દ્ર યાદવની અને અખિલ ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા બી.વી. શ્રીનિવાસને ગુજરાત કોંગ્રેસના સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના અગાઉના સહ પ્રભારી ઉષા નાયડુને મધ્યપ્રદેશમાં સહ પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ભૂપેન્દ્ર મારવીને ઝારખંડના સહ પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.