હથિયાર અને હિંસાના આશરે પરિવર્તન ના લાવી શકાયઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે લોકો પાસે હથિયાર છે અને હિંસાનો આશરો લે છે તેઓ પરિવર્તન લાવી શકતા નથી, ફક્ત શાંતિ અને વિકાસ જ પરિવર્તન લાવી શકે છે. અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે, "નક્સલવાદને વધુ એક ફટકો! સુકમામાં એક ઓપરેશનમાં અમારી સુરક્ષા એજન્સીઓએ 16 નક્સલીઓને મારી નાખ્યા અને ઓટોમેટિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો." ગૃહમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળની સરકાર 31 માર્ચ, 2026 પહેલા નક્સલવાદને નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું, "હથિયાર ધારણ કરનારાઓને મારી અપીલ છે કે પરિવર્તન શસ્ત્રો અને હિંસા દ્વારા ન આવી શકે; પરિવર્તન ફક્ત શાંતિ અને વિકાસ દ્વારા જ લાવી શકાય છે." છત્તીસગઢના સુકમા જિલ્લામાં શનિવારે એક મોટા નક્સલ વિરોધી ઓપરેશન દરમિયાન ઓછામાં ઓછા 16 નક્સલવાદીઓ માર્યા ગયા અને બે સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા.