ચંદીગઢઃ વાહન ચેકીંગ કરતા પોલીસ કર્મચારીઓને કાર ચાલકે કચડી નાખ્યાં, 3ના મોત
નવી દિલ્હીઃ હોળીના દિવસે ચંદીગઢમાં એક ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. રાત્રે લગભગ 2.30 વાગ્યે ઝીરકપુર અને ચંદીગઢ બેરિયર વચ્ચે ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરી રહેલા પોલીસકર્મીઓને પૂરઝડપે આવેલી કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે પોલીસકર્મીઓના મોત થયા હતા. બનાવમાં અન્ય કારના ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને કાર ચાલાક ફરાર થઈ ગયો હતો. જો કે, સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. તેમજ તેને હાલોમાજરાથી ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ, પોલીસે બોલેનો કારને ચેકિંગ માટે રોકી હતી. ત્યારે ઝીરકપુર તરફથી આવતી એક કારે તેમને ટક્કર મારી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ડીજીપી, એસએસપી સહિત ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકોની ઓળખ કોન્સ્ટેબલ સુખદર્શન અને હોમગાર્ડ રાજેશ તરીકે થઈ હતી. અકસ્માતમાં સ્વિફ્ટ કારને ભારે નુકસાન થયું છે. દરમિયાન, CFSL અને ફોરેન્સિક ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, આરોપીની પોલો કાર 150 ની ઝડપે આવી રહી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બધા મૃતકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. પોલીસ તપાસ કરી રહી છે કે શું વાહન ઇરાદાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી ડ્રગ્સનો બંધાણી છે. તેણે ગઈકાલે રાત્રે પણ દારૂ પીધો હતો.