ગુજરાતમાં 29મી માર્ચથી વાતાવરણમાં પલટો સાથે માવઠાની શક્યતા
- સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજથી વાતાવરણમાં આવ્યો પલટો
- કેટલાક વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ
- માવઠુ પડશે તો કેરીના પાકને નુકશાન થવાની દહેશત
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. ત્યારબાદ તાપમાનમાં ચડાવ-ઉતાર જોવા મળ્યો હતો. ત્યારે 29મી માર્ચથી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. અને કેટલાક વિસ્તારમાં માવઠું પણ પડી શકે છે. એવી હવામાન વિભાગે આગાહી કરી છે. માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
હવામાનની આગાહી મુજબ, પશ્ચિમ હિમાલય પ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 29 માર્ચથી 1 એપ્રિલ સુધી માવઠુ પડવાની શકયતા છે. રાજયમાં ગાજવીજ સાથે 10 મી.મી. સુધી એટલે કે અડધા ઈંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શકયતા છે. કચ્છ, ઉતર અને મધ્ય ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ વર્તાશે. દરમિયાન આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં અનેક સ્થળોએ હવામાન પલટાની અસર દેખાઈ હતી અને સવારના ભાગે તડકા-છાયા વચ્ચે ઠંડો પવન ફુંકાયો હતો.
રાજકોટ શહેરમાં જ આજે સવારે 21.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું અને પવનની ઝડપ 12 કિ.મી. સરેરાશ રહી હતી. જયારે ગઈકાલે પણ પવનનાં જોર વચ્ચે ગરમી સામાન્ય રહી હતી અને તાપમાનમાં 2થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે રાજકોટ સહિત દરેક સ્થળોએ 30થી 38 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયુ હતું. (File photo)