ચેમ્પિયન્સ ટ્રોફીઃ પાકિસ્તાનમાં એક સ્ટેડિયમ બનાવવામાં મોટી ભૂલ થયાનું સામે આવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાકિસ્તાને તૈયાર કરેલા 3 સ્ટેડિયમ પૈકી એક સ્ટેડિયમમાં બે મોટા સાઈડ સ્ક્રીન લગાવ્યાં છે. આ મામલે આઈસીસીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ આ સ્ટેડિયમમાં જે તે સ્થળની ટિકીટના પૈસા ક્રિકેટ પ્રેમીઓને પરત આપવા માટે સૂચન કર્યું હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે લાહોર, રાવલપિંડી અને કરાચીને સ્થળ તરીકે પસંદ કર્યા છે. ટુર્નામેન્ટની મેચો આ ત્રણ મેદાનો પર રમાશે. જોકે, PCB આ મેદાનોને સુધારવા માટે સતત મહેનત કરી રહ્યું છે, પરંતુ હવે એક સ્ટેડિયમમાં એક મોટી ખામી જોવા મળી છે, જે ચાહકોને મુશ્કેલીનું કારણ બની શકે છે. જે બાદ ICCએ PCB ને ચાહકોના પૈસા પરત કરવા કહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટેડિયમમાં બે મોટા કદના સાઈટ સ્ક્રીન પણ લગાવવામાં આવ્યા છે. ICC આનાથી ખુશ નથી.
આ સંદર્ભમાં, ICC માને છે કે આના કારણે ચાહકોને મેચ જોવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન, આ અંગે ICC અને પીસીબી વચ્ચે વાતચીત થઈ છે. જે બાદ ICC એ કહ્યું કે જે ચાહકોએ મોટા સાઈટ સ્ક્રીનવાળા વિસ્તારમાં ટિકિટ ખરીદી છે તેમને તેમના પૈસા પરત કરવા જોઈએ. જો આવું થશે તો તે પાકિસ્તાની બોર્ડ માટે મોટો ફટકો હશે. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 માર્ચે રમાશે.