For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મોરબીના મકનસરમાં 'ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થતાં સિરામિક ઉદ્યોગને લાભ થશે

05:07 PM Sep 04, 2025 IST | Vinayak Barot
મોરબીના મકનસરમાં  ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત થતાં સિરામિક ઉદ્યોગને લાભ થશે
Advertisement
  • મોરબી પંથકના ઉદ્યોગોને હવે રેલ કનેક્ટિવિટીની નવી સુવિધા મળી,
  • નવા ફ્રેટ ટર્મિનલથી પહેલી કન્ટેનર ટ્રેનનું સફળતાપૂર્વક સંચાલન કરાયું,
  • દેશભરમાં માલ મોકલવા માટે એક વધુ સસ્તો અને ઝડપી વિકલ્પ મળ્યો

રાજકોટઃ મોરબીમાં સિરામિક સહિત અનેક ઉદ્યોગો કાર્યરત છે. અને અહીંના ઉદ્યોગકારો સિરામિક ટાઈલ્સ, ચિજ-વસ્તુઓ સહિતનો માલ દેશભરના શહેરોમાં સપ્લાય કરે છે. ખાસ કરીને ટ્રક-ટ્રાન્પોર્ટરો દ્વારા મોરબીથી દેશના જુદા જુદા શહેરોમાં માલનું વહન કરવામાં આવે છે. ઉદ્યોગકારોને માલ મોકલવા માટે રોડ પરિવહન મોંઘું પડતું હતુ. અને સમયસર માલ પણ પહોંચી શકતો નહતો. હવે મોરબીના મકનસરમાં ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ શરૂ કરાતા મોરબી દેશભરના શહેરો સાથે રેલ કનેક્ટિવિટીથી જોડાઈ ગયું છે. અને મોરબી અને તેની આસપાસના ઉદ્યોગોને દેશભરમાં માલ મોકલવા માટે એક વધુ સસ્તો અને ઝડપી વિકલ્પ મળ્યો છે. આ રેલ કનેક્ટિવિટીથી માલવહનની કિંમતમાં ઘટાડો થવાની આશા છે. હાલમાં પ્રથમ ફેરામાં રેલવેને રૂ. 5.94 લાખની આવક થઈ છે. આગામી સમયમાં રાજકોટ રેલવે ડિવિઝનની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

Advertisement

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU)એ આ સિદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. BDU દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા હતા કે, નવી-નવી કોમોડિટીનું રેલ માર્ગે પરિવહન કેવી રીતે વધારી શકાય? આ માટે BDUએ સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે સંપર્ક કરીને તેમને રેલવે દ્વારા માલ મોકલવાના ફાયદાઓ સમજાવ્યા હતા. આ પ્રયાસોના પરિણામે જ આજે મકનસરથી પ્રથમ કન્ટેનર ટ્રેનનું સંચાલન શક્ય બન્યું છે. આ નવું ફ્રેટ ટર્મિનલ, જેને 'ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ' પણ કહેવાય છે, તે મકનસરમાં મેસર્સ જી-રાઈડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને રેલ મંત્રાલયનો સંયુક્ત ઉપક્રમ છે અને તે પીએમ ગતિ શક્તિ નીતિનો એક ભાગ છે, જેનો હેતુ દેશભરમાં આવા ટર્મિનલ વિકસાવવાનો છે. પ્રથમ ફેરામાં કન્ટેનર ટ્રેનમાં 56 કન્ટેનરમાં કુલ 1824 ટન સિરામિક ટાઇલ્સ લોડ કરવામાં આવી હતી. ટ્રેન મકનસરથી અમદાવાદના ખોડિયાર ખાતે આવેલા CONCOR ડોમેસ્ટિક કન્ટેનર ટર્મિનલ સુધી દોડાવવામાં આવી હતી. જેમાં રાજકોટ ડિવિઝનને અંદાજે રૂ. 5.94 લાખની આવક થઈ છે, જે રેલવે માટે પ્રોત્સાહક છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આગામી સમયમાં આ ટ્રાફિકમાં વધુ વધારો થવાની શક્યતા છે. આ નવી સુવિધા મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ વેગ આપશે અને તેમના ઉત્પાદનોને દેશના ખૂણે-ખૂણે પહોંચાડવામાં મદદરૂપ થશે. આ ટર્મિનલ ભવિષ્યમાં આર્થિક વિકાસનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ બની રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement