ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે રૂ. 1200 કરોડની કેન્દ્રની જાહેરાત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારો માટે બારસો કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. નરેન્દ્ર મોદીએ પૂરની સ્થિતિ અને વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ઉત્તરાખંડ પહોચીને પરિસ્થિતિનો તાગ મેળવી એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.
પ્રધાનમંત્રીએ સમગ્ર પ્રદેશ અને તેના લોકોને સ્વસ્થ થવામાં મદદ કરવા માટે બહુપક્ષીય અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો. જેમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘરોનું પુનર્નિર્માણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું પુનઃસ્થાપન, શાળાઓનું પુનર્નિર્માણ, પ્રધાનમંત્રી રાહત ભંડોળ અંતર્ગત રાહત પૂરી પાડવા અને પશુધન માટે મીની કીટનું વિતરણ જેવા પગલાંનો સમાવેશ થશે.
પીએમ મોદીએ મૃતકોના પરિવાર માટે ૨ લાખ રૂપિયા અને પૂર અને સંબંધિત આફતોમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે 50 હજાર રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે. વધુમાં તેમણે તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અનાથ થયેલા બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના દ્વારા સહાયની જાહેરાત કરી છે.